________________
સોનાના અક્ષરવાળા કલ્પસૂત્રનાં પાનાંનો પરિચય
મેં (એટલે મુનિ યશોવિજયજીએ) સં. ૨૦૧૦ની આસપાસમાં કલ્પસૂત્ર સોનાની શાહીથી સુવર્ણાક્ષરે લખાવ્યું હતું, અને ૧૫૦ વરસની ગેરંટીવાળા, ઇંગ્લેંડની બનાવટના સોન્ડહર્સ્ટ પેપરોને પ્રથમ મંગાવીને પછી તેના કટકા કરી તેને રંગીન બનાવવામાં આવ્યાં, પછી સોનું બરાબર ચઢી શકે તે માટે સીધે સીધું સુવર્ણાક્ષરે ન લખાવતાં કુશળ લેખક ભોજક ચીમનલાલ પાસે પ્રથમ પીળા રંગની શાહીથી સંપૂર્ણ લખાવરાવ્યું અને પછી પીછીંથી સોનું ચઢાવવા માટે જયપુર મોકલવામાં આવ્યું અને ત્યાં કુશળ કલાકારે તેના પર સોનું ચઢાવ્યું.
દરેક પાને પાને બોર્ડરો જુદી જુદી હોય તો સારૂં એટલે સેંકડો બોર્ડરોના નમૂના છાપેલું પુસ્તક મેં મારા કામની દેખરેખ રાખતાં જયપુર પં. ભગવાનદાસ જૈનીને મોકલાવ્યું, તેમને કલાકારને આપ્યું અને કલાકારે તે બોર્ડરો પાને પાને ઉતારી અને પીંછીથી સુંદર રંગોથી ચમકાવી એક અદ્વિતીય કહી શકાય તેવી બોર્ડરો બનાવી અજોડ કહી શકાય તેવી કૃતિ તૈયાર થઇ.
અમારા ખ્યાલ પ્રમાણે ૫૦ વરસમાં ઘણાં કલ્પસૂત્રો સુવર્ણાક્ષરે લખાયાં હશે પણ એમાં મારી દૃષ્ટિએ આનું સ્થાન સર્વોપરિ ગણું છું. એ કલ્પસૂત્રના નમૂનાના બે પાનાં અહીં દર્શકોને જોવાનો લહાવો મળે એટલે મુદ્રિત કર્યા છે.
અહીં ૬૩ મું પાનું મરાઠી પ્રાકૃત ભાષામાં લખેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવન ચરિત્રનું છે. બાજુમાં ચિત્રકારે પોતાની ઇચ્છા મુજબ પોતાની પદ્ધતિ મુજબ ચીતરેલા ભગવાનના જીવન પ્રસંગોનું છે.
પીપળના પાનાનાં ચિત્રોનો પરિચય
અહીંયા ભગવાન શ્રી મહાવીરના જીવન પ્રસંગોનાં અનેક ચિત્રો પીપળનાં પાન ઉપર કુશળ કલાકાર પાસે કરાવ્યાં છે. તેમાંથી છ ચિત્રો નમૂના રૂપે જનતાને પીપળાનાં પાન ઉપરની કલાનું સુભગ દર્શન થાય એ માટે પ્રગટ કર્યાં છે. છ ચિત્રો શેનાં શેનાં છે તેનો પરિચય તે તે ચિત્રની નીચે જ આપેલ છે.
[ ૬૭૬ ]
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀