________________
સંપાદકીય નિવેદન
આ પુસ્તકમાં મારા વિવિધ વિષયોના લખેલા ૭૭ પુસ્તકોમાં લખેલી પ્રસ્તાવના, અભિનંદન વગેરે બાબતાંનો સંગ્રહ ધરાવતું પુસ્તક છે. મારો ખ્યાલ છે ત્યાં સુધી આ રીતનું પુસ્તક જૈન સમાજમાં કોઈએ છપાવ્યું હોય એવો ખ્યાલ ઓછો છે. છતાં વિદ્વાન મિત્રોનો ટેકો મળવાથી એક નવો આયામ કર્યો છે. સંભવ છે કે કેટલાકને ગમશે અને કદાચ કેટલાકને નહીં ગમે છતાં એ બધો વિચાર કર્યા વગર ‘‘શુમે યાશક્તિ’’ એ ન્યાયે થોડું નવું કરવાનો ચીલો પાડવાનો પ્રયાસ કર્યો છે એ બદલ વાચકો ક્ષમા કરે.
આ ગ્રન્થમાં મેં વિ. સં. ૧૯૮૯માં દીક્ષા લીધી ત્યારપછીનું પહેલું પુસ્તક મારા અલ્પ-આછા ખ્યાલ મુજબ મેં બૃહત્સંગ્રહણીનું લખ્યું છે, એમાં પ્રસ્તાવના પણ લખી, એ ગ્રન્થની પ્રસ્તાવના આ ગ્રન્થમાં શરૂઆતમાં પહેલી આપવામાં આવી છે. ઉમ્મર થતાં અને નાદુરસ્ત તબિયતને કારણે વિ. સં. ૨૦૫૦ પછી લેખનકાર્યમાં નવા નવા સર્જનમાં મંદી આવી એટલે એ પછીની પ્રસ્તાવનાઓ વગેરે ઓછી જોવા મળશે.
આ પદ્ધતિનું પુસ્તક વિદ્વાનો અને લેખકો પસંદ કરશે કે કેમ ? તે દહેશત હતી. પરંતુ વિદ્વાનો, લેખકો વાચકોએ ખૂબ સત્કાર્યું--આવકાર્યું તેથી મને સંતોષ થયો. મને ખૂબ જ ધન્યવાદ આપ્યા અને મને કહે કે તમને આવો સુંદર વિચાર ક્યાંથી આવ્યો? એક સુંદર રચનાની જાણ સમાજને જાણવા મળશે એ મારા માટે એક આનંદનો વિષય છે.
અમારા શ્રદ્ધેય વિદ્વાન આચાર્ય શ્રી પૂર્ણચન્દ્રસૂરિજીએ તથા અમારા વિદ્વાન મિત્ર શ્રદ્ધેય ભાઈ શ્રી રમણભાઈએ આ પુસ્તક ઉપર કાંઈક લખીને મોકલ્યું છે તેનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને આવો સહકાર મને મારા અન્ય કાર્યોમાં મલતો રહે એવી શુભેચ્છા રાખું છું.
મારા કાર્યમાં મને પૂરો સાથ સહકાર આપનાર મારા પરમ વિનયી શિષ્યો-પર્યાયસ્થવિર પંન્યાસ શ્રી વાચસ્પતિવિજયજી તથા મારી નાદુરસ્ત તબિયતમાં મારી વિશેષ કાળજી રાખનાર, જેમને દીક્ષા લીધે મા. સુ. ત્રીજે ૨૫ વરસ પૂર્ણ થયાં તેવા સેવાભાવી મુનિરાજ શ્રી જયભદ્રવિજયજીને આ પ્રસંગે ખાસ યાદ કરૂં છું.
તથા વરસો સુધી એક સ્થાને રહીને મારા લેખન કાર્ય કરનાર તથા પ્રુફો સુધારવાનું કાર્ય કરનાર, ભદ્રિકપરિણામી, સરળ સ્વભાવી સાધ્વીજી શ્રી પુષ્પયશાશ્રીજી તથા તેમના વિનયી, ભાતવંતા શિ સાધ્વીજી શ્રી પુનિતયશાશ્રીજીને પણ ખાસ ધન્યવાદ આપું છું.
આ પુસ્તકને અતિ તૈયાર કરનાર સોનગઢના ધાર્મિકવૃત્તિના કહાન મુદ્રણાલયના માલિક શ્રી જ્ઞાનચંદજી તથા તેમના સુપુત્ર નિલયને હાર્દિક ધન્યવાદ ઘટે છે.
વિ. સં. ૨૦૫૯ વૈ. સુદ ૩, એસ. પી. એપાર્ટમેન્ટ, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૦૬
— યશોદેવસૂરિ