________________
ક્ષમાભાવની પ્રાપ્તિ તેનું નામ પ્રતિક્રમણ. આમ પ્રતિક્રમણની વ્યાખ્યાઓ અનેક પ્રકારની છે.
સામાન્ય રીતે મનુષ્ય પાપ ન કરવું જોઈએ અને સંવર–નિર્જરા સાથેની પુણ્ય-શુભ પ્રવૃત્તિમાં રહેવું જોઈએ, છતાં જાણે-અજાણે પાપો થાય છે, પણ તેનાથી મુક્ત થવું હોય તો પાપકર્મ અટકે અને અજાણતાં થયેલાં પાપો માટે દિલગીરી વ્યક્ત કરીએ અને ફરી જાણીને તો ન કરીએ, આ માટે જ આ ક્રિયા છે. ટૂંકમાં જ જો કહેવું હોય તો પાપનો પશ્ચાત્તાપ કરવાની, ભૂલોની ક્ષમા માગવાની ક્રિયા તેનું નામ પ્રતિક્રમણ.
શરીરની શુદ્ધિ જળસ્નાન વગેરેથી થાય છે તેમ આત્માની કે ચિત્તની શુદ્ધિ પ્રતિક્રમણથી થાય છે. શરીરને પુષ્ટ કરવા, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકની જરૂર છે, તેમ આત્મા-મનને શુદ્ધ કરવા આત્માને ગુણોથી પુષ્ટ કરવા પ્રતિક્રમણની જરૂર છે. આનાથી રાગ-દ્વેષાદિ કષાયોની મંદતા, વાસનાઓનો ઘટાડો અને નિર્મળતા આદિ પ્રાપ્ત થાય છે. કેમકે પ્રતિક્રમણ સૂત્રોમાં દેવગુરુની સ્તુતિ, વંદના, ધ્યાન, શ્રુતજ્ઞાનની સ્તુતિ, ક્ષમાપના આદિની ઉત્તમ અને મંગલકારી અનેક આરાધનાઓ રહેલી છે, જે પૂર્વોક્ત લાભોને અચૂક મેળવી આપે છે.
પ્રતિક્રમણ શું રોજે રોજ કરવું જોઈએ?
મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, પ્રમાદ, કષાયાદિ દોષોના લીધે જાણે-અજાણે પણ જીવની મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓ કે પાપ પ્રવૃત્તિઓ અવિરત ચાલુ છે. ત્યાં સુધી પ્રતિક્રમણ અવશ્ય કરવું જ જોઈએ. જેથી જીવ પાપકર્મ કરતાં અટકે અને થયેલાં દુષ્કૃતો-પાપો માટે દિલગીરી પેદા થાય, ચિત્તની વિશુદ્ધિ થાય, પુરાણાં કર્મોને ખપાવે અને ચારિત્રગુણની ઉત્તરોત્તર વિશુદ્ધિ થાય.
પાપ રોજે રોજ થતું હોય તો તેને ખપાવવાં કે તેનું પ્રાયશ્ચિત્ત કરવા પ્રતિક્રમણ પણ રોજે રોજ કરવું જ જોઈએ અને પાછું વર્તમાન વ્યવસ્થા મુજબ નિયત કાલે.
એટલે જ પ્રતિક્રમણનું બીજું નામ ‘આવશ્યક’ છે. શાસ્ત્રીય પરિભાષાનો શબ્દ ‘આવશ્યક’ જ છે. આવશ્યક શબ્દ ‘અવશ્ય’ ઉપરથી બન્યો છે. ‘અવશ્ય’ એટલે જરૂર, ચોક્કસ અને અવશ્ય કરવા લાયક તેને આવશ્યક કહેવાય. ત્યારે પ્રતિક્રમણ અવશ્ય કરવા લાયક છે અને એથી જ પ્રત્યેક જૈને અવશ્ય કરવું જ જોઈએ અને તે દ્વારા આધ્યાત્મિક વિકાસ સાધવો જોઈએ.
આત્મા દોષોથી ભરેલો છે, ભૂલ કરવી અને પાછી તેને છુપાવવી એ આજનો ભયંકર માનસિક રોગ છે. ભૂલ કરવી એ તો પાપ છે પણ એ ભૂલને છુપાવવી એ એથીએ વધુ ભયંકર ગુનો છે. એ ભૂલના પાપથી ખરેખર બચાવનાર પ્રતિક્રમણની ક્રિયા જ છે. શું આવશ્યક એક જ છે?
ના, આવશ્યક બીજા પાંચ છે. પ્રતિક્રમણ આવશ્યકને છોડીને બાકીનાનાં નામ સામાયિક, ચઉવીસત્થો, વંદણક, કાઉસ્સગ્ગ અને પચ્ચખ્ખાણ છે. (પ્રતિક્રમણ ઉમેરતાં કુલ છ આવશ્યકો છે.) ** [ ૩૩૨ ]