________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
નવતત્ત્વ દીપિકાની પ્રસ્તાવના
વિ. સં. ૨૦૨૨
ઇ.સત્. ૧૯૬૬
૧૫
જૈન શ્રી સંઘમાં અત્યંત જાણીતા બનેલા પ્રકરણરૂપે લેખાતા ‘નવ-તત્ત્વ’ નામના ગ્રન્થનું પ્રકાશન શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ કૃત ‘દીપિકા’ નામની ગુજરાતી ભાષા–ટીકા સાથે થઈ રહ્યું છે, તે પ્રસંગે બે શબ્દનો નિર્દેશ કરવો અસ્થાને નહિ ગણાય.
આ સૃષ્ટિ મુખ્યત્વે બે તત્ત્વો ઉપર આધારિત છે. એ બેમાં એક છે ઝીવ અને બીજું છે ઝીવ. પ્રસિદ્ધ શબ્દોમાં કહીએ તો એકનું નામ છે ‘ચેતન’ અને બીજાનું નામ છે ‘જડ.’
આમ છતાં હેય અને ઉપાદેયની વિશિષ્ટ સમજણને માટે નવતત્ત્વોનું પ્રતિપાદન કરવામાં આવે છે અને તે આવશ્યક છે.
જ્યારે ચારેય બાજુએ ભૌતિકવાદનો સાગર ઉછળી રહ્યો હોય ત્યારે તેને ખાળવા કોઈપણ કાળે આધ્યાત્મિક-તત્ત્વજ્ઞાનની દિવાલો જ કામિયાબ નીવડે છે. કારણ કે— તત્ત્વોનું જ્ઞાન હૃદયના પ્રગાઢ અંધકારને ભેદી નિર્મળ પ્રકાશને જન્મ આપે છે. તત્ત્વોનું જ્ઞાન અજ્ઞાન દોષને દૂર કરી જ્ઞાનગુણની વૃદ્ધિ કરે છે. તત્ત્વોનું જ્ઞાન દુર્ગુણોની બાદબાકી કરી સદ્ગુણની સુવાસનો સરવાળો ઊભો કરે છે. તત્ત્વોનું જ્ઞાન જૈનાગમોરૂપી મંદિરમાં પ્રવેશ કરવા માટે દરવાજાની ગરજ સારે છે. તત્ત્વોનું જ્ઞાન પ્રાણીગણ વચ્ચે શાંતિ મૈત્રી અને પ્રેમનો પ્રકાશ ફેલાવે છે.
આવા અનેકવિધ લાભોના કારણે અને અહિંસા, સત્ય, શાંતિ, પ્રેમ, મૈત્રી, સંપ, સંગઠન વગેરેની અંતરાત્મામાં, તેમજ ભૌતિકવાદથી સંતપ્ત બનેલા આ વિશ્વમાં પ્રતિષ્ઠા થાય, એ કારણે આવા જ્ઞાનનો ફેલાવો થતો રહે માત્ર આવશ્યક નહિ, પણ આ કાળે અનિવાર્ય છે. આવા જ્ઞાનના પ્રચાર દ્વારા જ વિનાશોન્મુખ વિશ્વને સાચી દિશામાં વિકાસોન્મુખ બનાવી શકીશું.