________________
કલેશ, કલહ, કંકાસ, ગેરસમજ, સંઘર્ષણો થવા ન પામે. કારણ કે અહિંસાથી આચાર શુદ્ધિ અને તેથી જીવનશુદ્ધિ થાય છે. અને અનેકાન્તથી વિચારશુદ્ધિ એટલે કે હૃદય કે મનની શુદ્ધિ અને સ્વસ્થતા પ્રાપ્ત થાય છે અને બંનેથી છેવટે તો આત્મિક શુદ્ધિ જ થાય છે.
અહિંસાને જરા વ્યાપક રીતે સમજીએ. અહિંસા ધર્મનો કોઈને મારી ન નાંખવું એટલો જ ટૂંકો કે સંકુચિત અર્થ નથી. તે પોતાનો ધર્મ સમજાવતાં કહે છે કે, દરેકને પોતાના પ્રાણ વ્હાલા છે. સહુ જીવવાની લાગણીઓ ધરાવે છે. માટે તમો કોઈ પણ જીવને પછી તે સાવ સૂક્ષ્મ હોય કે મોટો હોય-હણો નહિ, તમે જો કોઈને નવું જીવન આપી શકતા નથી તો, બીજાના જીવનને ઝૂંટવી લેવાનો અધિકાર નથી. તમો બીજાને ત્રાસ-તકલીફ કે પીડા ન આપો. એ ઉપરાંત તમારી વાચાથી કોઈનું ખરાબ બોલો નહિ, નિંદા, કટુ, ધિક્કાર કે તિરસ્કારપૂર્ણ વચનોનો વહેવાર કરો નહિં, અને મનથી કોઈનું ખરાબ કે ભૂંડું થાય તેવું ઇચ્છો નહિ. ઇર્ષ્યા અદેખાઈ કરવી એ પણ હિંસા જ છે. માટે તે કરો નહિ. વળી દ્વેષ-વેર–વિરોધ ન કરો, પ્રાણી માત્ર પ્રત્યે મિત્રતાનો ભાવ રાખો. જાણતા અજાણતા કોઈને કદર્થના થાય તેવું કર્મ ન કરો. એમ છતાં જો નહીં સમજો તો એના ફળમાં દુઃખો, પ્રતિકૂલતાઓ, રોગ, અલ્પાયુષ્ય અને વિવિધ કષ્ટો વગેરેની પ્રાપ્તિ બેઠી છે. અને મનસા, વાચા, કર્મણા તમો સંપૂર્ણ અહિંસક ન બની શકો તો વધુમાં વધુ અહિંસક જીવન જીવવાનો પ્રયત્ન જરૂર કરોને કરો જ.
પ્રાસંગિક કહેવું જરૂરી છે કે—અન્ય દેશોનું ભારત તરફ જે આકર્ષણ રહ્યું છે, તે તેની અહિંસાની મહાન ભાવનાને આભારી છે. ભારત જે શાંતિ ભોગવી રહ્યું છે તે તેની દયા અને ધર્મની સંસ્કૃતિને આભારી છે. પરંતુ સખેદ કહેવું જોઈએ કે આજે ભારત અને ભારતની પ્રજા હિંસા અને અનીતિના માર્ગે ઝડપથી દોટ મૂકી રહી છે. હિંસક યોજનાઓ અને ઉદ્યોગોની ભડીમાર ચાલી રહી છે. અરે! ડોલરો અને સ્ટર્લીંગોના સાટે જીવંત પ્રાણીઓના સોદા? અને તે આર્ય ભૂમિના આર્ય માનવીઓના હાથે! આપણે દિલ્હીના દેવો અને પ્રજાને પૂછીએ કે ભારતને ભારત તરીકે મીટાવી દઈને શું કરવું છે? રાષ્ટ્ર વિચારે. ગંભીરપણે વિચારે, કે તેને શાંતિના સ્વર્ગ તરફ જવું છે કે અશાંતિના દોઝખ તરફ? અસ્તુ!
‘અહિંસા’ની બાબતમાં માત્ર દિગ્દર્શન કરાવ્યું. હવે, ‘અનેકાન્તવાદ'ને જરા વિસ્તારથી સમજીએ.
અનેકાન્તવાદ :
અનેકાન્તવાદની બે બાજુ છે. એક તાત્ત્વિક અને બીજી વહેવારિક અહીંયા તેની વહેવારિક ઉપયોગિતા શું છે ? તે જણાવાની અગત્ય હોવા છતાં તેની તાત્વિક બાજુની કંઈક ઝાંખી કરી આગળ વધીએ.
અનેકાન્તની તાત્ત્વિક બાજુ :
ભારતીય વિદ્વાનોમાં જ્યારે દાર્શનિક ચર્ચાઓ જાગી પડી ત્યારે ભિન્ન ભિન્ન દર્શનકારોએ [ ૨૨૭]S