________________
૩૮૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૨૬ વખતે જ પિંડપર્યાયનો નાશ થાય છે તેથી પિંડરૂપ માટીદ્રવ્યનો નાશ કહ્યો અને પિંડપર્યાયનો નાશ કહ્યો. તે બંને એક જ છે. આ રીતે દ્રવ્યનાશ અને પર્યાયનાશનો વિભાગ એક છે તે બતાવ્યા પછી તે નાશ “સમ્મતિ' અનુસાર બે પ્રકારનો પ્રાપ્ત થાય છે તે બતાવે છે. (૧) સમુદાયના વિભાગરૂપ નાશ (૨) અર્થાતરગમનરૂપ નાશ. (૧) તેમાં પટનો તંતુ સુધી નાશ થાય ત્યારે તંતુના સમુદાયરૂપ જે પટ હતો તેનો વિભાગ થવાથી પટના નાશની પ્રાપ્તિ થઈ તેથી પટનો નાશ એ સમુદાયવિભાગરૂ૫ છે, અર્થાતરગમનરૂપ નથી. (૨) વળી, માટીના પિંડમાંથી ઘટ ઉત્પન્ન થાય છે ત્યારે માટીનો પિંડ નાશ પામે છે, સ્થાસરૂપે થાય છે, પછી કોસરૂપે થાય છે, પછી કુશલરૂપે થાય છે અને અંતે ઘટરૂપે થાય છે. તે વખતે સ્વાસ-કોસ-કુશલનો નાશ થયો તે ઘટરૂપ અર્થાતરગમનસ્વરૂપ છે પરંતુ પટનાશની જેમ સમુદાયના વિભાગરૂપ નથી.
વળી, જેમ બે પરમાણુઓ ભેગા થઈને સ્કંધ બને છે ત્યારે અર્થાતરગમન થાય છે, કેમ કે પરમાણુરૂપે રહેલા એ બે પરમાણુઓ સ્કંધરૂપ પરિણામને પામે છે તેથી પરમાણુનો નાશ એ અર્થાતરગમનરૂપ છે. તે રીતે તંતુમાંથી પટ કરવામાં આવે ત્યારે તે તંતુઓનો જે નાશ થાય છે, તે અર્થાતરગમનરૂપ છે પરંતુ પટ થયા પછી તે પટમાં રહેલા તંતુના સમુદાયનો વિભાગ થાય ત્યારે તે પટનાશ સમુદાયના વિભાગરૂપ નાશ કહેવાય છે, અર્થાતરગમનરૂપ નાશ નહીં. આથી જ કોઈ પુરુષ બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે તે બાલ્યાવસ્થાનો નાશ એ અર્થાતરગમનરૂપ છે અને જીવમાં સમુદાયના વિભાગરૂપ નાશ તે રીતે પ્રાપ્ત થાય નહીં પરંતુ મૃત્યુ વખતે દેહની સાથે આત્માનો જે વિયોગ થાય છે તે દેહ અને આત્માના સમુદાયના વિભાગરૂપ હોવાથી દેહયુક્ત આત્માનો નાશ તે સમુદાયના વિભાગરૂપ નાશ છે.
સમુદાયવિભાગરૂપ નાશ અને અર્થાતરગમનરૂપ નાશ, એ બે ભેદો “સમ્મતિ'માં કહ્યા છે તે અને પ્રજ્ઞાપનામાં નયદષ્ટિથી જે બે ભેદો કહ્યા છે, તે બેની એકવાક્યતા જોડવા માટે ગ્રંથકારશ્રીએ ઉપલક્ષણથી “સમ્મતિ'નું વૈવિધ્ય સ્વીકાર્યું છે, કેમ કે સ્યાદ્વાદની દૃષ્ટિ પદાર્થ જે સ્વરૂપે સંસ્થિત હોય તે સ્વરૂપે જ બતાવે છે અને દ્રવ્યાર્થિકનયની અને પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી પદાર્થને જોઈને જેમ અર્થાતરગમનરૂપ નાશ અને રૂપાંતરપરિણામરૂપ નાશ બતાવેલ તેમ પદાર્થને જોનારી અન્ય દૃષ્ટિથી “સમ્મતિ'માં સમુદાયના વિભાગરૂપ નાશ અને અર્થાતરગમનરૂપ નાશ બતાવેલ છે તેથી “સમ્મતિ'માં બતાવેલ દૃષ્ટિથી પણ દેખાતો, અનુભવને અનુરૂપ પદાર્થ સ્યાદ્વાદી અવશ્ય સ્વીકારે છે તે બતાવવા માટે જ ગ્રંથકારશ્રીએ ઉપલક્ષણથી તેનો સ્વીકાર કર્યો છે.
અહીં વિશેષ એ છે કે ગાથા-૨૪માં “પ્રજ્ઞાપના” અનુસાર બતાવેલા અર્થાતરગમનરૂપ અને રૂપાંતર પરિણામરૂપ નાશના બે ભેદો એક જ સ્થાનમાં દ્રવ્યાર્થિકનય અને પર્યાયથિકનયની દૃષ્ટિથી પ્રાપ્ત થાય છે અને “સમ્મતિમાં બતાવેલ સમુદાયના વિભાગરૂપ નાશ અને અર્થાતરગમનરૂપનાશ તે બંને ભિન્ન ભિન્ન સ્થાનમાં જ પ્રાપ્ત થાય છે અને તે બે નાશ દ્રવ્યાર્થિકનયને અને પર્યાયાર્થિકનયને આશ્રયીને નથી પરંતુ સમુદાયના વિભાગને જોનારી નદૃષ્ટિ અને અર્થાતરગમનને જોનારી નયદષ્ટિને આશ્રયીને છે. II૯/૨છા