________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૧૯ | ગાથા-૯
૩૩૯ દહીં ખાવા છતાં વ્રતભંગ થવો જોઈએ નહીં. પરંતુ સર્વ દર્શનકારો દૂધવ્રતવાળાને દહીં જમવાથી વ્રતભંગ થાય છે' તેમ સ્વીકારે છે માટે દૂધ કરતાં દહીં પૃથફ છે તેમ સિદ્ધ થાય છે. અને દૂધમાંથી દહીં થાય છે તેથી દૂધપણાનો નાશ થાય છે અને દહીંપણાની ઉત્પત્તિ થાય છે તેમ માનવું પડે.
વળી, “મારે દહીં ખાવું, અન્ય કાંઈ નહીં એવી પ્રતિજ્ઞા કરી હોય તે પુરુષ દૂધ જમતો નથી તેથી પણ નક્કી થાય છે કે દૂધ કરતાં દહીં પૃથફ છે અને દૂધના નાશરૂપ જ દહીંની ઉત્પત્તિ છે.
વળી, કોઈએ અગોરસ જમવાનું વ્રત લીધું હોય તો તે પુરુષ ગોરસ એવાં દૂધ અને દહીં બંને જમતો નથી તેથી નક્કી થાય છે કે દૂધ અને દહીં પૃથક્ હોવા છતાં ગોરસરૂપે તે બંનેનો અભેદ છે. માટે દૂધમાંથી દહીંરૂપે બનતા ગોરસના પુદ્ગલોમાં દૂધરૂપે નાશ, દહીંરૂપે ઉત્પત્તિ અને ગોરસરૂપે ધ્રુવપણું પ્રત્યક્ષરૂપે દેખાય છે અને જેમ દૂધના પુદ્ગલો દહીંરૂપે થઈને ઉત્પાદવ્યયબ્રીવ્યરૂપે અનુભવાય છે તેમ જગવર્તી સર્વ પદાર્થો કોઈક સ્વરૂપે ધ્રુવ, કોઈક સ્વરૂપે નાશ અને કોઈક સ્વરૂપે ઉત્પન્ન થતા અનુભવાય છે. આ રીતે અન્યવીરૂપ દ્રવ્ય અને વ્યતિરેકરૂપ પર્યાયથી સિદ્ધાંતનો વિરોધ ન થાય તેમ સર્વત્ર ભાવન કરવું જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્ય અન્વયી છે અને પર્યાય પૂર્વપર્યાયના નાશથી ઉત્તરપર્યાયરૂપે થાય છે તેથી વ્યતિરેકી છે અને જે પ્રકારે દ્રવ્ય અને પર્યાય અન્વય-વ્યતિરેકી છે એ પ્રમાણે ગ્રહણ કરીને શાસ્ત્રનાં વચનોનો વિરોધ ન આવે તે રીતે જોડવાં જોઈએ.
અહીં કોઈક અન્ય દર્શનકારો એમ કહે છે કે કેટલાક ભાવ વ્યતિરેકી છે અને કેટલાક ભાવ અન્વયી છે. જેમ તૈયાયિક કહે છે કે પરમાણુ સદા નિત્ય છે તેથી અન્વયી છે. વળી, ચણક-ચણુકાદિ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તેથી કેવલ વ્યતિરેકી જ છે. તેઓની તે વાસનાને દૂર કરવા માટે સ્યાદ્વાદની વ્યુત્પત્તિથી અન્ય ભાવો બતાવવા જોઈએ જેથી અનુભવના બળથી સર્વત્ર ત્રિલક્ષણનો સ્વીકાર મધ્યસ્થપુરુષ કરે.
વળી, દરેક વસ્તુની સત્તા ત્રિલક્ષણરૂપ જ છે; કેમ કે તત્ત્વાર્થસૂત્રમાં “સતુ'નું લક્ષણ કરતાં કહ્યું છે કે, ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત જે વસ્તુ છે તે સત્ છે.' અને પદાર્થની સત્તા દરેક જીવોને પ્રત્યક્ષ છે તેથી તે સત્તા જ ત્રણ લક્ષણની સાક્ષી છે માટે “ઉત્પાદવ્યયધ્રૌવ્ય' એ સત્તાના પ્રત્યક્ષથી જ પ્રત્યક્ષસિદ્ધ છે અને પ્રત્યક્ષ વસ્તુનો અપલાપ થઈ શકે નહીં.
અહીં પ્રશ્ન થાય કે જે વસ્તુ પ્રત્યક્ષ હોય તેને સિદ્ધ કરવા માટે અનુમાન પ્રમાણ કે આગમપ્રમાણની આવશ્યકતા નથી છતાં તમે અનુમાનથી અને આગમપ્રમાણથી ત્રણ લક્ષણની સિદ્ધિ કેમ કરો છો ? તેથી કહે છે –
પ્રત્યક્ષથી ત્રણ લક્ષણની સિદ્ધિ હોવા છતાં તે તે દર્શનની વાસનાથી અસવ્યવહાર પ્રવર્તે છે તેથી કેટલાક દર્શનકારો પદાર્થને એકાંત નિત્ય માને છે અને કેટલાક દર્શનકારો પદાર્થને એકાંત ક્ષણિક માને છે અને તે તે દર્શનકારોથી પ્રવૃત્ત એવાં અસવ્યવહારનું નિરાકરણ કરીને ત્રિલક્ષણરૂપે સવ્યવહારનું સ્થાપન કરવા માટે ગ્રંથકારશ્રી અનુમાનાદિ પ્રમાણને અનુસરે છે. II/II