________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૩| ગાથાપ્રકારને, એક કહેવાય છે.
જેમ આત્મદ્રવ્ય, જ્ઞાનાદિગુણ અને તેનો=આત્માનો, પર્યાય, એ સર્વ એક જ છે. તે ત્રણ એક જ કેમ છે ? તે દૃષ્ટાંતથી કહે છે –
જેમ રત્ન, કાંતિ=રત્વની કાંતિ અને જવરાપહાર શક્તિ=રત્નમાં રહેલી જવરને દૂર કરવાની શક્તિ – એ ત્રણનો એક જ પરિણામ છે, તેમ દ્રવ્ય, ગુણ અને પર્યાયનો એક જ પરિણામ છે તેમ જાણવું. ૩/૬ ભાવાર્થ : -
દરેક દ્રવ્યોમાં વર્તતા ગુણો અને પર્યાયો સાથે તે દ્રવ્યનો અભેદ ન સ્વીકારવામાં આવે તો “આ જીવદ્રવ્ય છે”, “આ અજીવદ્રવ્ય છે” એ પ્રકારની વ્યવસ્થાયુક્ત નિયત વ્યવહાર લોકમાં થાય છે તે સંગત થાય નહીં, કેમ કે જ્ઞાનાદિ ગુણપર્યાયથી અભિન્ન એવું જે દ્રવ્ય છે તે દ્રવ્યને જીવદ્રવ્ય કહેવાય છે અને રૂપાદિ ગુણપર્યાયથી અભિન્ન એવું જે દ્રવ્ય છે તે દ્રવ્યને અજીવદ્રવ્ય કહેવાય છે. હવે જો દ્રવ્યમાં ગુણપર્યાયનો એકાંતભેદ સ્વીકારવામાં આવે અને સમવાય સંબંધથી દ્રવ્યમાં ગુણપર્યાય રહે છે તેમ સ્વીકારવામાં આવે તો જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય એ પ્રકારની વિશેષ સંજ્ઞા આપી શકાય નહીં, પરંતુ એમ જ કહેવું પડે કે, દ્રવ્ય બધાં સમાન છે, ફક્ત જે દ્રવ્યમાં સમવાય સંબંધથી જ્ઞાનાદિનો સંબંધ થયો તે દ્રવ્ય જ્ઞાનાદિથી વિપરીત ગુણપર્યાયના સંબંધવાળા દ્રવ્યથી જુદાં જણાય છે, પરમાર્થથી તો દરેક દ્રવ્યો વ્યક્તિથી જુદાં હોવા છતાં સ્વરૂપથી તો સમાન જ છે. તેથી સમાન એવાં દ્રવ્યોમાં જ્ઞાનાદિ ગુણના સંબંધથી કે રૂપાદિ ગુણના સંબંધથી ભેદની પ્રતીતિ થાય છે, છતાં દ્રવ્યોનો પરસ્પર સ્વરૂપથી જે ભેદ છે તે ભેદ તો તેમાં વર્તતા ગુણપર્યાયનો અભેદ સ્વીકારીએ તો જ સંગત થાય.
અહીં પ્રશ્ન થાય કે દ્રવ્ય, ગુણ, પર્યાય એ ત્રણ શબ્દથી વાચ્ય ભિન્ન વસ્તુની પ્રતીતિ થાય છે. તેથી તે ત્રણ એક છે તેમ કેમ કહેવાય ? તેથી કહે છે –
દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણે જાતિ છે. તે ત્રણનો એકત્વ પરિણામ છે. અર્થાત્ આત્મદ્રવ્ય, આત્માનો ગુણ અને આત્માનો પર્યાય – એ ત્રણે એક પ્રદેશરૂપ છે, પરંતુ એ ત્રણેના ભિન્ન પ્રદેશો નથી. તેથી તે ત્રણનો એકત્વ પરિણામ છે. માટે દ્રવ્ય, ગુણ અને પર્યાય – એ ત્રણ પ્રકારને એક કહેવાય છે. એક કેમ કહેવાય છે ? તે અનુભવથી સ્પષ્ટ કરે છે.
પોતાનું આત્મદ્રવ્ય, પોતાના આત્મદ્રવ્યમાં વર્તતા જ્ઞાનાદિગુણો અને પોતાના આત્મામાં વર્તતા પર્યાય એ ત્રણે એક જ છે. માટે ત્રણને એક કહેવાય છે. આને રત્નના દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે.
જેમ રત્ન, રત્નની કાંતિ અને તે રત્નમાં વર્તતી વરનાશની શક્તિ, તે ત્રણ શબ્દથી ત્રણ કહેવાય છે તોપણ તે ત્રણનો એક જ પરિણામ છે; કેમ કે રત્નની કાંતિ, રત્નથી ભિન્ન પ્રદેશમાં રહેલી નથી કે રત્નની જ્વરાપહાર શક્તિ તે રત્નથી ભિન્ન પ્રદેશમાં રહેતી નથી, પરંતુ તે સ્વરૂપ જ તે રત્ન છે તેમ ગુણપર્યાય સ્વરૂપ જ દ્રવ્ય છે. માટે તે ત્રણનો ભેદ નથી. II3/કા