________________
૮૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-3 | ગાથા-૨ જેમ ઘટ અને પટ જુદા છે તેમ દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણ વસ્તુ પૃથક છે અને સમવાય નામનો સંબંધ દ્રવ્ય અને ગુણ સાથે જોડાયેલો છે. તેથી દ્રવ્ય અને ગુણ પરસ્પર સંબંધિત રૂપે ભાસે છે.
વળી, દ્રવ્ય અને પર્યાય એ બે પણ પૃથક છે અને તે બે વચ્ચે સમવાય નામનો સંબંધ છે. તેથી દ્રવ્ય અને પર્યાય પરસ્પર સંબંધિત ભાસે છે. આ પ્રકારે તૈયાયિક મતાનુસાર કલ્પના કરીએ તો અનવસ્થા દોષની પ્રાપ્તિ થાય છે. તે આ રીતે –
દ્રવ્ય અને ગુણ જુદા છે અને બેથી અતિરિક્ત સમવાય નામનો સંબંધ જુદો છે અને તે સમવાય સંબંધ દ્રવ્ય અને ગુણને સંબંધિત કરે છે તેમ માનીએ તો દ્રવ્યનો ગુણની સાથે સંબંધ કરનાર એવાં સમવાયનો દ્રવ્યની સાથે પણ સંબંધ છે અને ગુણની સાથે પણ સંબંધ છે અને તે બંને સાથે સંબંધિત થઈને સમવાય સંબંધ દ્રવ્ય અને ગુણને સંબંધિત કરે છે તેમ પ્રાપ્ત થાય.
હવે દ્રવ્યની સાથે સંબંધવાળા સમવાય અને ગુણની સાથે સંબંધવાળા સમવાય-તે બંનેને સંબંધ કરવા માટે અન્ય સંબંધની કલ્પના કરવી પડે. આ રીતે અન્ય સંબંધની કલ્પના કરીએ તો, તે અન્ય પણ સંબંધ તે બેના સંબંધ માટે અન્ય પણ સંબંધની અપેક્ષા રાખશે અને તેમ સ્વીકારવાથી નવા નવા સંબંધનો ક્યાંય અંત નહીં આવે. તેથી સંબંધના અંતના અભાવરૂપ અનવસ્થા નામનો દોષ પ્રાપ્ત થાય છે અને તે દોષના નિવારણ માટે દ્રવ્યનો, ગુણનો અને પર્યાયનો પરસ્પર અભેદ સંબંધ માનવો ઉચિત છે. - હવે તૈયાયિક કહે કે – દ્રવ્ય, ગુણ અને પર્યાયનો પરસ્પર સંબંધ કરનાર ભિન્ન એવો સમવાય સંબંધ છે એમ સ્વીકારી લઈએ અને દ્રવ્ય અને ગુણ વચ્ચે સંબંધ કરનાર એવાં સમવાયનો અભિન્ન એવો સ્વરૂપ સંબંધ જ માની લઈએ. અર્થાત્ દ્રવ્ય સાથે જોડાયેલો સમવાય, દ્રવ્ય અને સમવાય ઉભય સ્વરૂપ છે અને ગુણ સાથે જોડાયેલો સમવાય, ગુણ અને સમવાય ઉભય સ્વરૂપ છે એમ માની લઈએ, તો નવા સંબંધની કલ્પનાની આવશ્યકતા રહેશે નહીં અને તેમ સ્વીકારવાથી અનવસ્થાદોષની પ્રાપ્તિ થશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે કે – દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે ભિન્ન એવો સમવાય સંબંધ સ્વીકાર્યા પછી અભિન્ન એવો સ્વરૂપ સંબંધ સ્વીકારવો, તેના કરતાં દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે જ અભિન્ન એવો ગુણ-ગુણીરૂપ અર્થાત્ દ્રવ્ય અને ગુણરૂપ સ્વરૂપ સંબંધ માનવામાં શો વાંધો છે ? - વસ્તુત: દ્રવ્ય અને ગુણ એ ઉભય સ્વરૂપ જ સંબંધ છે અને દ્રવ્ય અને પર્યાય એ ઉભય સ્વરૂપ જ સંબંધ છે એમ સ્વીકારવાથી દ્રવ્ય, ગુણ અને પર્યાયનો અભેદ સંબંધ સંગત થાય છે. તેથી તેના બદલે નકામો સમવાય નામનો નવો સંબંધ માનીએ તે ઉચિત નથી; કેમકે ચક્ષુથી ઘટને જોઈને ઘટ અને ઘટવર્તી ગુણોનો અભેદ પ્રતિભાસ થાય છે, પરંતુ તે ઘટ અને ઘટના ગુણોથી અતિરિક્ત એવો સમવાય સંબંધ પ્રતીત થતો નથી. છતાં તે બેના સંબંધની કલ્પના માટે નવા એવાં સમવાય સંબંધની કલ્પના કરવી ઉચિત નથી. ll૩/શા