________________
૧૧
નવતત્ત્વસંગ્રહ એ નામ જ કહી આપે છે કે આ ગ્રંથમાં જીવાદિ નવ તત્ત્વોનું સ્વરૂપ આલેખવામાં આવ્યું છે, પરંતુ વિશેષતા એ છે કે, શ્રીભગવતીસૂત્ર પ્રમુખ વિવિધ આગમોના પાઠોની અત્ર સંકલના ક૨વામાં આવી અનેક મુદ્દાની વસ્તુઓ યંત્રરૂપે કોઇક દ્વારા રજૂ કરાઈ છે, જેથી આ ગ્રંથની મહત્તામાં અસાધારણ વૃદ્ધિ થઈ છે. આ ગ્રંથના કર્તાએ બાર વિવિધવર્ણી ૧ચિત્રો વડે એને અલંકૃત કર્યો છે. આ ગ્રંથની મુખ્ય ભાષા હિંદી ગણાય જોકે કેટલીક વાર સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી પ્રયોગો એમાં દૃષ્ટિગોચર થાય છે, કોઈક વેળા તો પંજાબી શબ્દો પણ નજરે પડે છે. આવી પરિસ્થિતિમાં તેમજ અંતમાં અતિશીઘ્રતાએ આ ગ્રંથ મુદ્રિત કરાવવો પડ્યો, તેથી મારે હાથે જે યથેષ્ટ સંશોધનાદિ દ્વારા આને પૂર્ણ ન્યાય ન અપાયો હોય તો સહૃદય સાક્ષરો ક્ષમા કરશે એટલી મારી તેમને વિનંતિ છે. મૂળ કૃતિમાંના આંતરિક સ્વરૂપમાં ભાગ્યે જ સ્વલ્પ પરિવર્તન કરવું અને તે પણ ખાસ આવશ્યકતા હોય તો જ કરવું એવી શ્રીવિજયવલ્લભસૂરિજીની સૂચના તરફ પણ તેમનું સવિનય ધ્યાન ખેંચીશ. આ ગ્રંથમાં કયા કયા વિષયો આલેખાયા છે. તેનું નિરીક્ષણ કરવા મારી પાઠકમહોદયને વિશિષ્ટ વિનંતિ છે. મને પોતાને તો એમ સ્ફુરે છે કે, આ ગ્રંથમાં અતિસૂક્ષ્મ વસ્તુઓની ભાષા દ્વારા પ્રથમ જ ગુંથણી થઈ છે. એટલે જેમને આગમો જોવા જાણવાનો શુભ પ્રસંગ મળ્યો ન હોય તેમને આમાંથી ઘણું નવું જાણવાનું મળશે.
વિશેષમાં ઉપદેશબાવની પ્રસિદ્ધ કરવાનું વચન અપાયું હતું નહિ, છતાં શ્રીવિજયવલ્લભસૂરિજીની સૂચનાને માન આપી તે સુરમ્ય તેમજ સુશ્લિષ્ટ પઘમય લઘુ ગ્રંથને પણ અત્ર સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રન્થપ્રણેતાની તેમજ તેમના પ્રથમ શિષ્યરત્ન સ્વ. મુનિવર્ય શ્રીલક્ષ્મીવિજયજીની પ્રતિકૃતિઓ શ્રીયુત લાલચંદ ખુશાલચંદ (બાલાપુર) તરફથી, ગ્રંથકારના હસ્તાક્ષરની તેમજ પ્રવર્તક મુનિરાજ શ્રીકાંતિવિજયજીની શ્રીયુત દોશી કાલીદાસ સાંકલચંદ (પાલનપુર) તરફથી, શાંતમૂર્તિ મુનિરાજ શ્રીહંસવિજયજીની શ્રીયુત કાંતિલાલ મોહનલાલ (પાલનપુર) તરફથી, સ્વ. મુનિવર્ય શ્રીહર્ષવિજયજીની લાલા માણેકચંદ છોટાલાલ દુગ્ગડ (ગુજરાંવાલા) તરફથી અને શ્રીવિજયવલ્લભસૂરિજીની શ્રીયુત ડાહ્યાભાઈ સૂરજમલ તરફથી પૂરી પાડવામાં આવી છે તે બદલ તેમને તેમજ જેમણે એ કાર્ય માટે પોતાની બ્લોકોનો ઉપયોગ ક૨વા દીધો છે તેમને પણ હાર્દિક ધન્યવાદ ઘટે છે.૩
અંતમાં આ નિવેદનને વધુ ન લંબાવતાં આ ગ્રંથના પ્રણેતાના જીવનની જે આછી રૂપરેખા હવે પછી આલેખવામાં આવે છે. તેમાંથી ઉદ્ભવતા બોધદાયક પાઠો જીવનમાં ઉતારવાનું સામર્થ્ય પ્રકટે એટલી અભિલાષા પૂર્વક વિરમવામાં આવે છે.
ભગતવાડી, ભૂલેશ્વર,
મુંબઈ. વીરસંવત્ ૨૪૫૭ ભાદ્રપદ કૃષ્ણ પંચમી
ચારિત્રાકાંક્ષી હીરાલાલ રસિકદાસ કાપડિયા.
૧. જુઓ હસ્તલિખિત પ્રતિના ખાસ કરીને પત્રાંક-૧૬ બ, ૩૨ બ, ૩૩ બ, ૩૪ બ, ૩૭ અ, ૫૦ અ, ૫૦ બ, ૫૨ બ, ૫૩ અ, ૫૩ બ તથા ૫૪ અ. આ ચિત્રોનું મુદ્રણકાર્ય ચિત્રશાળા મુદ્રણાલય (પુના)માં થયું છે. વળી લિથો તરીકે એક ફૉર્મ પણ ત્યાં જ તૈયાર કરાવાયો છે.
૨. મારા પિતા એમને પોતાના ગુરુદેવ તરીકે સન્માનતા હતા.
૩. સ્વ. શ્રીવિજયકમલસૂરિજી તેમજ ઉપાધ્યાય શ્રીવીરવિજયજીની પણ પ્રતિકૃતિઓને અત્રે સાનંદ સ્થાન આપત, પરંતુ તેને લગતાં બ્લોકો મેળવવા પૂર્ણ પ્રયાસ કરવાં છતાં તે ન મળવાથી એ ઇચ્છા સફળ થઈ શકી નથી.