________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૮૭
પુત્રની ઉત્પત્તિ સંભળાય છે. તેથી મારી વાત માનો; વિકલ્પો છોડો, તે ધુતારીએ તેની લોકશાસ્રની યુક્તિથી એવું સમજાવ્યું કે તેઓએ પણ વિના સંકોચે તેણીની વાત માની લીધી. હવે મુનિ દાનના ફળથી પેદા થયેલા બમણા રાગવાળી એવી તેમની જોડે કૃતપુણ્ય ઈન્દ્રની જેમ ભોગ ભોગવી રહ્યો છે. અને ચારેને દેવકુમાર જેવા પુત્રો થયા. એમ કરતા બાર વર્ષ વીતી ગયા. ત્યારે સાસુએ કહ્યુ કે આને છોડી દો. કાર્ય સિદ્ધ થયે છતે પરપુરુષ રાખવાનું શું કામ ? ત્યારે પુત્રવધુઓએ કહ્યું જેણે અમને ભોગવી તે શું અમારો તિ ન કહેવાય?
ત્યારે સાસુના ભવા ચડવાથી ભયંકર બનેલુ મુખ દેખી ભયથી ધ્રુજતા હૃદયવાળી વહુઓએ હાં પાડી હે માતા ! તમે કહો તો આને ભાથુ બનાવીને અમે આપીએ ત્યારે આ સુખી થાઓ આ વિચારથી સર્વ વહુઓએ લાડુમાં રત્નો નાંખ્યા. લાડુની થેલી ભરી ઓશીકા નીચે મૂકી દીધી. ત્યાર પછી સાસુએ તેને મદિરા પાઈ. તેથી તે ઉંધી ગયો. ખાટલા સાથે તેજ દેવકુલિકામાં મૂકી દીધો. એટલામાં સાર્થ પણ પાછો ફર્યો. પણ રાત હોવાથી નગરમાં ન જતા ત્યાં જ રહ્યો. સાથે આવેલો જાણી પોતાના પતિની વાત જાણવા ત્યાં આવી ત્યારે તેવીજ રીતે સુતેલો જોયો. શોભાવાળો જોઈ હરખાયેલી તેણીએ પતિને ઉઠાડ્યો. ભાથાની થેલી અને ખાટલો લઈ પોતાના ઘેર ગઈ કૃતપુણ્યે પણ હકીકત જાણી પોતાના ઘેર ગયો.
ત્યારે ત્યાં બંધાયેલી વેણીવાળી વસંતસેનાને જુએ છે તે શતપાક તેલથી માલિસ કરે છે. તેટલામાં સ્કૂલથી (નિશાળથી) છોકરો આવી બાપના પગે પડ્યો. ભૂખ્યો થયેલો હોવાથી ખાવાનું માંગે છે. પણ રસોઈ કાંઈ તૈયાર ન હતી તેથી તેને રડતો દેખી વસંતસેનાએ થેલી માંથી કાઢી એક લાડુ આપ્યો. તેને ખાતો ખાતો સ્કુલે ગયો. લાડુ મધ્યે મણિ દેખી આ તો ઠળીઓ છે એમ માની બીજા વિદ્યાર્થીને આપે છે. તેણે કહ્યું આ તો મણિ છે. તેથી કંદોઈને આપીએ જેથી તે આપણને મિઠાઈ આપશે. તેને આપ્યો. તેણે પણ બાજુમાં રહેલા જલકુંડમાં તે નાંખ્યો. તેના પ્રભાવથી તે પાણી ભૂમિ જેવું દેખાવા લાગ્યું. તેથી તેણે જાણ્યુ કે આ જલકાંત મણિ છે. તે મણિ સાચવીને રાખી. વિદ્યાર્થીઓને પણ જે યોગ્ય હોય તે આપે છે.
આ બાજુ પ્રિયંગુલતાની દાસીએ કહ્યુ કે હે સ્વામી ! જ્યારે તમને વસંતસેનાની માતાએ કાઢી મૂક્યા તે જાણી ઘણી શોધ કરવા છતા પણ તમારા સમાચાર માત્ર પણ ન મળ્યા. તેથી સ્વામિની આ (નીચે લખેલ) કરે છે.