________________
છંદના સામાચારી
શિષ્ય : મારો એવો ખ્યાલ છે કે આજના કાળમાં ૧૦ સાધુના ગ્રુપમાં બે કે ત્રણ જણ બધાની ગોચરી લાવતા હોય છે પરંતુ ભૂતકાળમાં તો લગભગ બધા જ પોતપોતાની ગોચરી જાતે લાવનારા હતા. ગુરુ, ગ્લાન, બાલાદિ કેટલાંક સંયમીઓ સિવાય તમામ સંયમીઓ બે-બેની ટુકડીમાં વહોરવા નીકળતા અને પોતાના પુરતી જ ગોચરી લાવતા કોઈ વધારે ગોચરી ન લાવે. કેમકે એણે લાવેલી વધા૨ે ગોચરી બીજા કોણ વાપરે ? બધા પોત-પોતાની પુરતી ગોચરી લઈને જ આવ્યા છે.
હવે જ્યારે કોઈપણ સાધુને વધારે ગોચરી લાવવાની છૂટ જ નથી. તો લબ્ધિધારી સાધુ પણ વધારે ગોચરી નજ લાવે ને ? તો પછી એ છંદના શી રીતે કરે ? છંદના કરીને બીજાને આપે તો પોતાને ભૂખ્યા રહેવાનો વખત આવે, કેમકે એ પોતાના પુરતી જ માપસર ગોચરી લાવેલો હતો.
ગુરુ : તારી બધી વાત સાચી. પણ મેં તને પહેલા જ વાત કરી કે ગ્લાનાદિના માટે આ લબ્ધિધારી અને તપસ્વીને વધારે લાવવાની છૂટ આપવામાં આવી છે, કેમકે એમાં તેઓને પુષ્કળ નિર્જરાની પ્રાપ્તિ થાય છે. બીજા સાધુઓને નિમંત્રણાની રજા નથી જ.
શિષ્ય : લબ્ધિધા૨ી સંયમી ગ્લાન, બાલ, ગુરુ વગેરે માટે અનુકૂળ દ્રવ્યો લાવે અને પછી ગુરુની રજા લઈ બધાને વિનંતિ કરે. બધા જ એ દ્રવ્યો લેવાની ના પાડી દે તો ? ગ્લાનાદિને વા૫૨વાની ઈચ્છા ન હોય અથવા બીજા કોઈ સંયમીએ લાવેલા દ્રવ્યો વાપરી લીધા હોય તો તેઓ આ લબ્ધિધારીએ લાવેલી વસ્તુઓ ન પણ લે. તો અહીં તો ભક્તિ કરવાનો લાભ ન મળવાથી કરેલી છંદના તો નકામી જ ગઈને ? આજે ય એવું જોવા મળે છે કે ભક્તિભાવવાળા સંયમીઓ ગુર્વાદિ માટે ઘણી વસ્તુ લાવે છતાં ગુર્વાદ એ ન પણ લે તો એ વખતે કરેલી છંદનાનું ફળ તો ન જ મળે ને ?
ગુરુ ઃ કર્મનો ક્ષય કે કર્મનો બંધ મુખ્યત્વે આત્માના પરિણામને આધીન છે. જો લબ્ધિધારીના ભાવ નિર્મળ હોય તો ગ્લાનાદિ ભલેને એની વસ્તુ ન લે તો પણ લબ્ધિધારીને પુષ્કળ કર્મક્ષય થાય જ. ગ્લાન એ વસ્તુઓ લે અને લબ્ધિધારી આપે.... આ બધી બાહ્યક્રિયાઓ તો ગૌણ છે. મુખ્યત્વે તો સાધુનો પરિણામ જ છે.
અરે, કદાચ એવું બને કે લબ્ધિધારીની વિનંતિ સ્વીકારી બાલ વગેરે સંયમીઓ એ લાવેલ મિષ્ટાદિ લે તો કદાચ લબ્ધિધારીનો અધ્યવસાય બદલાઈ પણ જાય. “મારે મિષ્ટ ખાવું હતું. પણ આણે મિષ્ટ લઈ લીધું. મેં ભુલ કરી. વિનંતિ જ ન કરી હોત તો સારું થાત.” આવા વિચારો આવે તો તો અહીં ભક્તિ થઈ હોવા છતાં લબ્ધિધારીને તો આવા અશુભપરિણામને લીધે કર્મબંધ જ થાય.
એટલે સામેવાળો સાધુ તમારી ભક્તિ સ્વીકારે કે ન સ્વીકારે. એની ચિંતા કરવાને બદલે સંયમીએ પોતાના પરિણામો સતત શુભ જ રહે એની કાળજી વધારે કરવાની છે.
શિષ્ય : છતાં એક વાત તો અનુભવાય છે કે સંયમી ગુર્વાદિને માટે અનુકૂળ વસ્તુઓ લાવે અને જો ગુર્વાદિ એ અનુકૂળ વસ્તુઓને વાપરે તો સંયમીને ખૂબ જ હર્ષ થાય. “અહો ! આજે મને ખૂબ લાભ મળ્યો. મારું લાવેલું દ્રવ્ય ગુરુ / ગ્લાનાદિએ વાપર્યું. ખરેખર મારું આ શરીર અસાર જ છે. આ શરીરની શક્તિનું ફળ માત્ર એટલું જ છે કે આ મહાત્માઓની હું વૈયાવચ્ચ કરું. બાકી આ શરીર કંઈ જ કામનું નથી.” આવા પોતાના જ સુકૃતની અનુમોદના રૂપ ભાવો સંયમીને ઊછળે છે.
પણ જ્યારે ઘણું ફરીને કોઈ દ્રવ્ય મેળવ્યું હોય અને ઉપાશ્રયમાં આવી ગુરુ વગેરેને વિનંતિ કરે અને છતાં જો તેઓ ન લે તો સંયમીને અફસોસ થાય છે કે “અરેરે ! આ દ્રવ્ય માટે કેટલા ઘરોમાં ફર્યો ! થાકી ગયો. પણ ગુરુએ તો એ દ્રવ્ય વાપર્યું જ નહિ. મારું ભ્રમણ નિષ્ફળ ગયું.”
સંયમ રંગ લાગ્યો - છંદના સામાચારી ૭ ૨૩૦