________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૨૯
૧૪૯
પ્રયત્ન હોવાથી તેવા પ્રકારના પુરુષકા૨નો અભાવ છે અર્થાત્ જે પ્રકારે સંસારી જીવો ભોગ પ્રત્યેના આકર્ષણથી ભોગની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે તે પ્રકારનો પ્રયત્ન તે મહાત્મા કરતા નથી.
(૨) પ્રાસંગિકપણું :
કેમ તે મહાત્મા ભોગનાં સાધનો માટે તેવો પ્રયત્ન કરતા નથી ? તેથી બીજો હેતુ કહે છે
તેઓનો મુખ્ય પ્રયત્ન વીતરાગ થવા માટેનો છે તેથી તેઓ અંતરંગ રીતે સંયમપાલન દરમ્યાન જેમ વીતરાગ થવા માટે યત્ન કર્યો છે તેમ વર્તમાનના દેવભવમાં પણ પ્રધાન રીતે તેઓનો વીતરાગ થવા પ્રત્યેનો જ બદ્ધ પ્રયત્ન છે અને પ્રાસંગિક ભોગમાં પ્રયત્ન છે. જેમ ખેડૂત ખેતી કરે ત્યારે ધાન્યમાં યત્ન છે તોપણ પ્રાસંગિક રીતે તેઓને ઘાસની પણ પ્રાપ્તિ થાય છે તેમ આ મહાત્માઓના પ્રયત્નથી મુખ્ય રીતે મોક્ષને અનુકૂળ શક્તિનો સંચય થાય છે છતાં પ્રાસંગિક રીતે ભોગનાં સાધનો પણ પ્રાપ્ત થાય છે. માટે તેઓનો પ્રધાન યત્ન અંતરંગ વીતરાગભાવમાં છે, ભોગસાધનોમાં નથી. તેથી અયત્નથી તેઓને ભોગસાધનો પ્રાપ્ત થયા છે. આથી જ ભોગની ઇચ્છા થાય ત્યારે પણ તેઓને અનિચ્છામાં જ સુખ દેખાય છે. તેથી કંઈક અવિરતિના ઉદયથી ઇચ્છા થઈ તેને શાંત કરવા જ તેમનો યત્ન હોય છે, ઇચ્છાની વૃદ્ધિમાં તેઓનો યત્ન હોતો નથી.
(૩) અભિષ્યંગનો અભાવ :
તેઓનો પ્રાસંગિક યત્ન ભોગસાધનોમાં કેમ છે ? તેથી ત્રીજો હેતુ કહે છે --
ભોગસાધનોમાં રાગનો અભાવ હોવાથી=ભરત મહારાજા આદિની જેમ ભોગસાધનોમાં ગાઢગૃદ્ધિનો અભાવ હોવાથી તેઓનો ભોગસાધનોમાં પ્રાસંગિક પ્રયત્ન છે.
આશય એ છે કે ભૂતકાળમાં સંયમને પાળીને તે મહાત્માએ સિદ્ધ અવસ્થામાં પોતાનો તીવ્ર રાગ સ્થિર કર્યો છે અને સિદ્ધ અવસ્થાના કારણીભૂત વીતરાગભાવને પ્રગટ કરવામાં તેઓને મુખ્યરૂપે રાગ વર્તે છે તેથી અસાર એવાં બાહ્ય ભોગસાધનોમાં તેઓને વૃદ્ધિનો=આસક્તિનો અભાવ છે.
(૪) કુત્સિત પ્રવૃત્તિનો અભાવ :
વળી, તેઓને બાહ્ય ભોગસાધનોમાં પ્રવૃત્તિ હોવા છતાં ગૃદ્ધિ કેમ નથી ? તેથી ચોથો હેતુ કહે છે
કુત્સિત ભોગોમાં અપ્રવૃત્તિ છે; કેમ કે ભૂતકાળમાં સંયમ પાળીને ઉત્તમ કુલ આદિમાં જન્મેલા હોવાથી ધર્મપરાયણ માનસ હોવાને કારણે ધર્મમાં વ્યાઘાતક થાય એવા નીતિમાર્ગથી રહિત કુત્સિત ભોગોમાં તેઓ પ્રવૃત્તિ કરતા નથી, તેથી જેઓને ભોગમાં વૃદ્ધિ છે તેઓ જ નીતિથી રહિત એવા ભોગોમાં પણ પ્રવૃત્તિ કરે છે તેમ આ મહાત્માઓ ભોગોમાં પ્રવૃત્તિ કરતા નથી. તેથી જણાય છે કે તેઓને ભોગમાં ગાઢ રાગ નથી.
(૫) શુભાનુબંધીપણું :
--
વળી, તેઓ કુત્સિત પ્રવૃત્તિ પણ કેમ કરતા નથી ? તેથી કહે છે