________________
1 સંકલના
છઠ્ઠો અધ્યાય :
પાંચમા અધ્યાયના અંતે કહ્યું કે મહાત્મા યતિધર્મને સેવીને અત્યંત અસમંજસ એવા સંસારથી શીધ્ર મુક્ત થાય છે. તે યતિધર્મ પણ સાપેક્ષયતિધર્મ અને નિરપેક્ષયતિધર્મ એમ બે ભેદવાળો છે. તેમાંથી પોતાની ચિત્તભૂમિકાને અનુરૂપ અને સંઘયણ આદિને અનુરૂપ જે ઉચિત અનુષ્ઠાન હોય તે સ્વીકારવું ઉચિત છે; કેમ કે પરિપૂર્ણ સામગ્રીથી જ કાર્યની સિદ્ધિ શીધ્ર થાય છે. વળી, પોતાના આશય આદિને ઉચિત સેવાયેલું અનુષ્ઠાન શીધ્ર મોક્ષનું કારણ બને છે. માટે સાધુએ પણ પોતાના ચિત્તના પરિણામ, સંઘયણબળ આદિનો વિચાર કરીને સાપેક્ષયતિધર્મ કે નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો જોઈએ એમ બતાવીને સાપેક્ષયતિધર્મવાળા મહાત્મા કેવી ઉત્તમ પ્રકૃતિવાળા હોય છે અને નિરપેક્ષયતિધર્મવાળા મહાત્મા કેવી ઉત્તમ પ્રકૃતિવાળા હોય છે તેનું તથા આવા ઉત્તમ પ્રકૃતિવાળા મહાત્માઓને પણ ક્યારે સાપેક્ષયતિધર્મ સેવવો ઉચિત છે અને ક્યારે નિરપેક્ષયતિધર્મ સેવવો ઉચિત છે તેનું વિસ્તારથી વર્ણન છઠ્ઠા અધ્યાયમાં કરેલું છે.
વળી, ઉચિત પ્રવૃત્તિ જ મોક્ષનું કારણ છે તેથી જેઓ અતિ ભાવાવેશમાં આવી જઈને પોતાની ભૂમિકા સાપેક્ષયતિધર્મને યોગ્ય હોવા છતાં નિરપેક્ષયતિધર્મ સ્વીકારે તો તે અસતું અભિનિવેશથી થયેલ પ્રવૃત્તિ હોવાને કારણે કલ્યાણના અનુબંધયુક્ત બનતી નથી. તે બતાવીને સર્વ ભૂમિકામાં ઉચિત અનુષ્ઠાન જ શ્રેયસ્કર છે તે બતાવ્યું છે. ત્યારબાદ ઉચિત અનુષ્ઠાનથી જ સંયમની પ્રાપ્તિ થાય છે અને તેવા ઉચિત અનુષ્ઠાન કરનારા મહાત્મા કેવા હોય છે ? તેનું વર્ણન કરેલ છે અને અંતે જે મહાત્મા ભાવની શુદ્ધિથી સંયમમાં યત્ન કરે છે તેઓનું ચિત્ત અત્યંત નિર્લેપ હોવાથી સંસારમાં પણ મોક્ષતુલ્ય શ્રેષ્ઠ સુખનો અનુભવ કરે છે.
છટ્ટા અધ્યાયના ક્રમિક પદાર્થો સંક્ષેપથી આ પ્રમાણે છે – પોતાના ચિત્તને અનુરૂપ ઉચિત અનુષ્ઠાન સેવવાથી સાધ્યની સિદ્ધિ થાય છે; અન્યથા નહિ. આથી બે પ્રકારનો યતિધર્મ ગ્રંથકારશ્રીએ બતાવેલ છે તેની સ્પષ્ટતા શ્લોક-૧માં કરેલ છે.
કેવા પ્રકારના યત્નથી સાધ્યની સિદ્ધિ થાય તેની સ્પષ્ટતા શ્લોક-૨માં કરેલ છે. પોતાની યોગ્યતાનું સમાલોચન કરીને પોતાની ભૂમિકા અનુસાર ઉચિત કાર્ય કરવું જોઈએ એ જ બુદ્ધિમાન પુરુષનો માર્ગ છે એની સ્પષ્ટતા શ્લોક-૩માં કરેલ છે.
ત્યારપછી સાપેક્ષ યતિધર્મ કોને ઉચિત છે, નિરપેક્ષ યતિધર્મ કોને ઉચિત છે તેની સ્પષ્ટતા કરેલ છે અને સ્વભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન જ સર્વત્ર શ્રેય છે તેની સ્પષ્ટતા અનેક યુક્તિઓથી કરેલ છે.
જેઓ સ્વભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન કરે છે તેઓ જ ભગવાનનાં વચનની આરાધના કરે છે અને ભગવાનના વચનની આરાધનાથી જ સર્વકલ્યાણની પ્રાપ્તિ છે. અને જેઓ પોતાની ભૂમિકાનો વિચાર