________________
આમાં ઉત્તમ કક્ષાના જીવો વિરલ એટલે અલ્પસંખ્યામાં જોવા મળે છે. હોડી નૌકાને હંકારવા બે બાજુ હલેસાંની જરૂર પડે છે અને આકાશમાં પક્ષી પણ પોતાની બે પાંખ ફફડાવીને જ ઊડી શકે છે તે જ રીતે જીવનની પ્રગતિ - ઉન્નતિ કે સદ્ગતિ પણ જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી જ શક્ય છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે બૌધ્ધિક સમજણ અને આચરણનો જો સુમેળ પણ આ તેનું સુંદર પરિણામ લાવી શકાય છે. વ્યાપાર કરવા માટે ધન જરૂરી છે પરંતુ તેના કરતાં ધંધાની સૂઝ - આવડત એથી પણ વધુ જરૂરી છે. ધનના વિનિમય માટે બુધ્ધિનું કૌશલ્ય જોઈએ. આ જ વાત આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ લાગુ પાડી શકાય.
જૈન દર્શનની પરિભાષા પ્રમાણે જ્ઞાનની માત્રાનું તર-તમતાનું કારણ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે અને જ્ઞાનને આચારમાં પરિણત કરવાનું કાર્ય ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમના કારણે થાય છે. જયારે કોઈવિરલ વ્યક્તિ વિશેષમાં કર્મના ક્ષયોપશમનો પ્રભાવ જોવા મળે તો જ ઉત્તમકક્ષાની યોગ્યતાનું નિર્માણ થાય છે.
મહાભારતમાં દુર્યોધનને આવી કોઈ અગમ્ય સમસ્યાનું સમાધાન ન મળ્યું એટલે છેવટે તેણે ફરિયાદ કરી કે -
जानामि धर्म, न च मे प्रवृत्तिः, जानाम्यधर्मं न च मे निवृत्तिः । केनापि दैवेन हृदि स्थितेन, यथा नियुक्तोस्मि तथा करोमि ॥
હું ધર્મને જાણવા છતાં તેને આચરી શકતો નથી અને અધર્મને સમજીને પણ તેને છોડી શકતો નથી તો તેનું શું કારણ?
આ શ્લોકમાં જણાવ્યા મુજબ અહિં શુભ પ્રવૃત્તિ અને અશુભનિવૃત્તિનું નિયામક કારણ હદયની અંધારી ગુફામાં રહેલા કોઈ અગમ્ય દેવ-ભાગ્યને ભલે ગમ્યું હોય પણ આપણો દોરીસંચાર તેના હાથમાં નથી. તેનું યોગ્ય સમાધાન આપણા આર્ષદ્રષ્ટા મહાપુરૂષે અહિં આપ્યું છે.
[૨૪]