________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૪
૧પપ
વળી કોઈ અતિ દુર્લભ વસ્તુ જુએ અને સાધુને કોઈ તે વિષયમાં પૃચ્છા કરે કે ન કરે તો પણ આ વસ્તુનું સ્વરૂપ અવ્યક્તવ્ય છે અર્થાત્ વચનથી કહી ન શકાય એવા ગુણોથી યુક્ત છે તેમ સાધુ કહે નહિ; કેમ કે આરંભાદિ દોષોની પ્રાપ્તિ છે. અસાર એવી બાહ્ય વસ્તુનું મહત્ત્વ બતાવવાથી પોતાની બુદ્ધિમાં પણ જે પ્રકારના ભાવો થાય તેને અનુકૂળ કર્મબંધની પ્રાપ્તિ થાય.
વળી કોઈ પ્રસંગે કોઈ વસ્તુને જોઈને સાધુ કહે નહિ કે આ અચિંત્ય છે અર્થાત્ અપ્રીતિકર છે તેમ સાધુ કહે નહિ; કેમ કે પૂર્વમાં વર્ણન કરાયેલા સર્વ પ્રયોગોના ભાષણમાં પાપના અધિકરણરૂપ તે વચનો બને. કોઈ વેચનાર વ્યક્તિને વેચવામાં અંતરાયદોષ પ્રાપ્ત થાય, લોકોને પ્રદ્વેષ આદિ દોષોનો પ્રસંગ પ્રાપ્ત થાય, ભગવાનનું શાસન અશિષ્ટોથી પ્રવૃત્ત છે તેવું લોકોને જણાય; કેમ કે ત્યાગી પણ સાધુ તેવા પ્રકારના બાહ્ય પદાર્થ વિષયક કથન કરે છે તેથી આ ધર્મ અનાપ્ત પુરુષથી પ્રવર્તાવાયો છે તેવી લોકોને બુદ્ધિ થાય.
વળી કોઈ વસ્તુને જોઈને સાધુ આ સારી રીતે ખરીદાયેલ છે અર્થાત્ અલ્પમૂલ્યથી મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત કરાઈ છે તેમ કહે નહિ અથવા આ સુવિક્રત છે અર્થાત્ સારાભાવથી વેચાણ થયું છે તેમ કહે નહિ અથવા આ વસ્તુ વેચવા યોગ્ય નથી જ એમ કહે નહિ. અથવા આ વસ્તુ વેચી નાખવા જેવી છે, રાખવા જેવી નથી એમ કહે નહિ. આ વસ્તુ સસ્તી થશે તેમ કહે નહિ અથવા દેશ-કાળને સામે રાખીને પોતે જાણકાર હોય છતાં આ મોંઘુ થશે એમ કહે નહિ; કેમ કે આવા પ્રકારના વચનપ્રયોગોમાંથી કોઈપણ પ્રકારના વચનપ્રયોગમાં કોઈકને અપ્રીતિ થવાનો પ્રસંગ આવે. સાધુનાં તે વચનોથી લોકોની પ્રવૃત્તિ થવાથી સાધુનું તે વચન આરંભ સમારંભનું કારણ બનવાથી અધિકરણરૂપ બને અને સાધુના વચનને સાંભળીને કોઈને ધર્મ પ્રત્યે દ્વેષ થાય કે આ સાધુથી સેવાતો ધર્મ અનાપ્તથી પ્રવૃત્ત છે તેવો કોઈકને ભ્રમ થાય તે સર્વમાં સાધુને કર્મબંધની પ્રાપ્તિ થાય, માટે સંવૃત્તમનવાળા થઈને નિસ્પ્રયોજન વચનપ્રયોગ ન થાય તે પ્રકારે સાધુએ વાગુપ્તિમાં યત્ન કરવો જોઈએ.
વળી તેવા પ્રકારનું કહેવાનું પ્રયોજન ઉપસ્થિત થાય જેનાથી સંયમવૃદ્ધિનું ફળ પોતાને કે અન્યને પ્રાપ્ત થતું હોય ત્યારે સાધુ તાત્પર્યશુદ્ધિથી વિધિવિશેષને જાણીને નિરવઘ જ બોલે અર્થાત્ આ મારા વચનપ્રયોગથી આ પ્રકારે પોતાની કે અન્યની સંયમવૃદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થશે એ પ્રકારના તાત્પર્યની શુદ્ધિથી તેને અનુરૂપ કેવો ઉચિત પ્રયોગ કરવો જોઈએ તે રૂપ વિધિવિશેષને જાણીને સાધુ નિરવઘ જ ભાષા બોલે જેથી બોલતી વખતે પણ પરિણામની શુદ્ધિને કારણે સંવરભાવનો જ અતિશય થાય. કઈ રીતે તાત્પર્યની શુદ્ધિપૂર્વક વિધિવિશેષનો નિર્ણય કરીને નિરવઘ ભાષા બોલે તે તથાદિથી બતાવે છે -
ગ્લાન સાધુના પ્રયોજન અર્થે કહે કે આ સહસંપાકાદિ પ્રયત્ન પક્વ છે, જેથી તે વચનાનુસાર યોગ્ય સાધુ તેને ગ્રહણ કરીને ગ્લાનસાધુના ઉપખંભક એવા તે સહસંપાકાદિને ગ્રહણ કરીને ગ્લાનસાધુના સંયમવૃદ્ધિમાં સહાયક થવાના પરિણામને પુષ્ટ કરે છે. આથી જ તે ગ્લાનસાધુ રોગને કારણે ગ્લાન છે. સંયમમાં ઉસ્થિત છે ઇત્યાદિનો ઉચિત નિર્ણય કરીને એ પ્રકારે વચનપ્રયોગ કરે છે, માત્ર સાધુવેશને જોઈને પ્રમાદી પાસત્યાદિના પ્રમાદનું ઉપખંભન થાય એવું જણાય તો મૌન પણ સેવે છે.