________________
૧૧૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૮૩ થયો છે તેનું જ્ઞાન જેને નથી તે દંડથી ઘટ થાય છે તેમ કહી શકે નહિ તેમ સમ્યગ્દષ્ટિને પણ હેતુની ઉપસ્થિતિ ન હોય તો અહેતુક કઈ રીતે કહી શકે ? એ પ્રકારની શંકામાં ગ્રંથકારશ્રી કહે છે
વિપરીત વ્યુત્પત્તિને કારણે અહેતુક બોલે. જેમ અનંત સંસા૨નું કારણ શું છે ? તે વિષયમાં તેને વિપરીત બોધ થયેલો હોય તો વિપરીત હેતુક અનંત સંસાર થાય છે તે પ્રકારે તે પ્રયોગ કરે. સ્યાદ્વાદની મર્યાદાથી જેને ઉત્સૂત્ર આદિથી થતા અનંતસંસારનું પણ જે જે અવચ્છેદક ધર્મ છે એનો યથાર્થ બોધ થયેલો હોય છે તેઓ તે તે ધર્મના અવચ્છેદકથી ઉત્સૂત્ર બોલનાર પણ કેટલાક અનંતસંસાર અર્જન કરે છે, કેટલાક સંખ્યાત, અસંખ્યાત સંસાર અર્જન કરે છે તે સર્વ અવચ્છેદક ધર્મનો યથાર્થ વિનિયોગ કરીને કહે છે તેઓની તે ભાષા સત્યભાષા થાય છે, પરંતુ મતિની દુર્બલતાને કા૨ણે કોઈક સમ્યગ્દષ્ટિ જીવને કોઈક સ્થાનમાં વિપરીત વ્યુત્પત્તિ થયેલી હોય તો અહેતુક પણ બોલે ત્યારે તેને અસત્યભાષાની પ્રાપ્તિ થાય છે.
વળી જેમ સમ્યગ્દષ્ટિને શ્રુતવિષયક અસત્યભાષાની પ્રાપ્તિ છે તેમ મિથ્યાત્વથી આવિષ્ટ જીવોને પણ અસત્યભાષાની પ્રાપ્તિ છે તે ‘અથવા’થી બતાવે છે
અથવા જેઓ શ્રુત ભણેલા છે તોપણ સ્યાદ્વાદની મર્યાદા અનુસાર ઉચિત સ્થાને ઉચિત વિનિયોગ કરવા માટે સમર્થ નથી તેથી સમ્યશ્રુતપરિણામથી વિકલ છે, છતાં તત્ત્વને જાણવા માટે સમ્યક્ નિર્ણય કરવાને બદલે સ્વરુચિ અનુસાર બોલવાના પરિણામરૂપ મિથ્યાત્વથી આવિષ્ટ છે તેઓ શ્રુતના ઉપયોગમાં ઉપયુક્ત થઈને બોલતા હોય ત્યારે કોઈક સ્થાનમાં તેમનું વચન શ્રુતાનુસારી હોવા છતાં શ્રુતવિષયક તેમનું વચન અસત્યભાષા છે. અને અનુપયુક્ત બોલતા હોય ત્યારે પણ તેઓની શ્રુતવિષયકભાષા અસત્ય છે; કેમ કે કોઈ ઉન્મત્ત પુરુષ પટને ઘટ કહે અને ઘટને પટ કહે છતાં ક્યારેક ઘટને ઘટ પણ કહે ત્યારે તેનું વચન આપાતથી સત્ય હોવા છતાં પણ પ્રમાણભૂત કહેવાતું નથી; કેમ કે પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોઈને તે પુરુષ બોલતો નથી પરંતુ તે પુરુષ જે રીતે તેને વિકલ્પો ઊઠે તે રીતે બોલે છે તેથી મિથ્યાત્વથી આવિષ્ટ અને પદાર્થના યથાર્થ નિર્ણયને અભિમુખ જેનો પરિણામ નથી તેઓની સર્વભાષા અસત્યભાષા છે.
આ કથનથી અર્થથી એ પ્રાપ્ત થાય કે અન્ય દર્શનવાળા ભદ્રકપ્રકૃતિજીવો સમ્યક્ત્વ ન પામ્યા હોય છતાં તત્ત્વના પક્ષપાતી હોય અને તત્ત્વને યથાર્થ જોઈને તેઓ જે યથાર્થ કથન કરે છે તે વખતે મિથ્યાત્વથી આવિષ્ટ મતિ નથી પરંતુ તત્ત્વને જોવાની અભિમુખ માર્ગાનુસારી પ્રજ્ઞા પ્રવર્તે છે એથી તેઓનું વચન સત્યભાષામાં જ અંતર્ભાવ પામશે. જેમ પતંજલિઋષિએ કહ્યું છે કે આગમથી, અનુમાનથી અને યોગના અભ્યાસથી યોગીઓને ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે તે વચન ઉત્તમ તત્ત્વને કહેનાર હોવાથી પૂ. હરિભદ્રસૂરિ આદિ મહાત્માઓ વડે પણ મહાત્મા એવા પતંજલિઋષિ વડે કહેવાયું છે એમ કહીને તેમનું વચન સત્યરૂપે સ્થાપન કરેલ છે. એ રીતે ભગવાનના શાસનમાં રહેલા પણ સમ્યક્ત્વને સન્મુખ પરિણામવાળા સમ્યક્ત્વ પામ્યા ન હોય તોપણ તત્ત્વને જોનાર નિર્મળ દૃષ્ટિથી યથાર્થ તત્ત્વને જે અંશથી કહે છે તેઓનું તે વચન સત્યમાં જ અંતર્ભાવ પામે છે.