________________
૯૧
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૭૬
અહીં પ્રશ્ન થાય કે પ્રવૃત્તિ કરનારને સ્વયં કૃત્ય કરવાની ઇચ્છા હતી તેથી ગુરુના વચનથી તે ઇચ્છામાં શું ભેદ પડે છે જેથી ગુરુના વચનને ઇચ્છાનુલોમભાષા કહેવાય છે. તેથી કહે છે –
યોગ્ય શિષ્યને પોતાને ઇષ્ટ એવી નિર્જરાનું સાધન કોઈક ઉચિત કૃત્ય જણાય છે, છતાં તેને શંકા થાય કે આ કૃત્યથી હું ઇષ્ટ એવી નિર્જરાને પ્રાપ્ત કરી શકીશ કે નહિ ? તેથી તે શંકાના નિવારણ અર્થે આપ્ત એવા ગુરુને પૃચ્છા કરે છે જેથી ગુરુના વચનના બળથી તેને નિશ્ચય થાય કે આ કૃત્યથી હું અવશ્ય તે પ્રકારનો અધ્યવસાય કરી શકીશ જેથી મને ઇષ્ટ એવી નિર્જરાની પ્રાપ્તિ થશે; કેમ કે આપ્ત એવા ગુરુ મારી શક્તિનો નિર્ણય કર્યા વગર તે કૃત્ય કરવાની અનુજ્ઞા આપે નહિ કે જે કૃત્યનું મને કોઈ ફળ મળે નહિ. અને આપ્ત એવા ગુરુએ મને તે કરવાની અનુજ્ઞા આપી છે અને મને પણ તે અભિપ્રેત છે એમ કહ્યું છે તેથી મને નિશ્ચય થાય છે કે આ ઉચિત કૃત્ય કરીને હું અવશ્ય તે કૃત્યના ફળને પ્રાપ્ત કરીશ. આ પ્રકારનો નિશ્ચય થવાથી શિષ્યને તે કૃત્ય કરવાની ઇચ્છા અવિલંબથી કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે અને જો પોતાનામાં તેવી શક્તિ ન હોય કે જેથી પ્રસ્તુત કાર્યથી પોતે તે પ્રકારની નિર્જરા કરી શકે તો આપ્ત એવા ગુરુ અવશ્ય તેને તે કૃત્ય કરવાને અનુકૂળ ઉચિત શક્તિસંચયનો જ ઉપદેશ આપે છે, આથી જ દીક્ષાનો અર્થી કોઈ પુરુષ ગુરુને પૃચ્છા કરે કે હું સંયમ ગ્રહણ કરું ? અને ગુરુને જણાય કે સર્વવિરતિને અનુકૂળ ઉત્તમચિત્ત તેનું સંપન્ન થયું નથી તો આપ્ત એવા ગુરુ અવશ્ય તેને કહે કે સર્વવિરતિ ગ્રહણની તારી ઇચ્છા સુંદર છે, છતાં તે પ્રકારનું ઉત્તમચિત્ત હજુ તારું નિષ્પન્ન થયું નથી માટે તારી ભૂમિકા અનુસાર ઉચિત એવી દેશવિરતિ આદિનું કૃત્ય કરીને તે સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય કર. અને જે ગુરુ તે પ્રકારનો વિચાર કર્યા વગર દીક્ષાની ઇચ્છાથી તત્પર થયેલા પુરુષને કહે કે મને પણ આ અભિપ્રેત છે તે ગુરુનું તે વચન આપ્તની ઇચ્છાનો વિષય નહિ હોવાથી ઇચ્છાનુલોમભાષા કહેવાય નહિ, પરંતુ જે આપ્ત હોય તે અવશ્ય પૃચ્છા કરનારના હિતનો નિર્ણય કરીને જ તે પ્રકારે કરવાની અનુજ્ઞા આપે તે ઇચ્છાનુલોમભાષા છે.
વળી કોઈ યોગ્ય શિષ્ય કોઈ ઉચિત કૃત્ય કરવા વિષયક પૃચ્છા કરે અને તે કૃત્યથી તેનું હિત થશે એવું જણાય ત્યારે ગુરુ કહે કે આ કૃત્ય શોભન છે ત્યાં પણ અર્થથી વક્તાની ઇચ્છાનું વિષયપણું તે કૃત્યમાં હોવાથી ઇચ્છાનુલોમભાષા પ્રતીત થાય છે.
વળી કોઈને દીક્ષા લેવાનો પરિણામ થાય અને ગુરુને પૃચ્છા કરે કે “હું માતાપિતાની અનુજ્ઞા લઈને સંયમ માટે આવું છું તે વખતે જો આપ્ત એવા ગુરુને નિર્ણય થાય કે આ યોગ્ય જીવનું સંયમથી હિત થશે તો તેઓ કહે કે “જે પ્રમાણે તને સુખ ઊપજે તેમ કર, પ્રતિબંધને કરતો નહિ ગૃહવાસના પ્રતિબંધને કરતો નહિ' એ પ્રકારનો ઉત્તર આપે; ત્યાં કેવી રીતે ઇચ્છાનુલોમભાષા થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહિ; કેમ કે સંયમની ઇચ્છા દીક્ષા લેનારને પૂર્વમાં ઉત્પન્ન થઈ ચૂકેલી છે. તેથી ગુરુના ઉત્તરથી ફરી સંયમની ઇચ્છાનો ઉત્પાદ નથી જ્યારે ઇચ્છાનુલોમભાષામાં તો આપ્ત પુરુષના ઉત્તરથી તે કૃત્ય કરવાની ઇચ્છા થાય છે માટે તે સ્થાનમાં ઇચ્છાનુલોમભાષાનું લક્ષણ સંગત થતું નથી. એ પ્રકારની શંકા પ્રત્યે ગ્રંથકારશ્રી કહે છે –
દીક્ષાર્થીની ઉપેય એવા સંયમની ઇચ્છા ઉત્પન્ન થયેલ હોવા છતાં પણ માતાપિતાની અનુમતિરૂપ ઉપાયમાં કાલવિલંબરૂપ અનિષ્ટસાધનત્વની શંકાનો ગુરુના ઉત્તરથી નિરાસ થાય છે, કેમ કે જો ગુરુએ એમ