________________
“શ્રી અરિહંત દેવો અર્થને કહે છે અને શાસનના હિતને માટે શ્રી ગણધરદેવો તેને નિપુણરીતે સૂત્રમાં ગૂંથે છે અને
તેથી શ્રુત પ્રવર્તે છે.’’
તેઓ આવું શા માટે કરે છે તેની પણ સ્પષ્ટતા કરતાં તે જ મહાપુરુષ ફરમાવે છે કે -
“સામાઈયમાઈયં સુચનાણું જાવ બિંદુસારાઓ। તસ્સ વિ સારો ચરણં, સારો ચરણસ્સ નિવ્વાણું”
II આવ. નિ. ગા. ૯૩ II
“સામાયિક થી માંડી બિંદુસાર-ચૌદમું પૂર્વ સુધી શ્રુતજ્ઞાન છે. તે શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર છે અને ચારિત્રનો સાર નિર્વાણ છે.”
મતિ - શ્રુત - અવધિ - મનઃપર્યવ અને કેવળજ્ઞાન આ પાંચે જ્ઞાનોમાં શ્રુતજ્ઞાન એ બોલકું છે અને બાકીના ચાર જ્ઞાન મૂંગા છે. નય-નિક્ષેપ અને પ્રમાણાદિના અભ્યાસથી પ્રાપ્ત શ્રુતજ્ઞાન આત્મામાં સ્થિરીભાવને પામે છે. આ જ વાતને સ્તવનકાર પૂ. શ્રી પદ્મવિજયજી મહારાજા શ્રી વીરપ્રભુના ‘રૂઢિને રઢિયાળી રે વીર તારી દેશના રે,’માં ‘ચારનિક્ષેપેરે, સાત નયે કરીને માંહે ભલી સપ્તભંગી વિખ્યાત.’ની કડીમાં જણાવે છે.
આ શ્રુતજ્ઞાન સારી રીતે સમજી-સમજાવી શકાય માટે શ્રી જૈન શાસનમાં અનુયોગ એટલે કે સૂત્રનું વ્યાખ્યાન કરવાની પદ્ધતિ ખૂબ જ સુંદર અને માર્મિક છે. તેના દ્રવ્યાનુયોગ, ચરણ-કરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ એ ચાર પ્રકાર છે. બાલ, મધ્યમ અને પંડિત જીવો પોત-પોતાની કક્ષા અને ક્ષયોપશમ અનુસારે આ ચારે પ્રકારના અનુયોગના મર્મને સમજી - વિચારી આત્મસાત્ કરી પોત પોતાના આત્મ કલ્યાણના માર્ગે આગળ
વધી શકે છે.
યુગ પ્રધાન પૂ. શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજાના કાળ સુધી આ ચારે અનુયોગ એકી સાથે જોડાયેલા હતા. વક્તા પણ યોગ્ય શ્રોતાને પામી તે ચારે અનુયોગ સમજાવતા હતા. પણ દુષમકાળના પ્રભાવે મંદબુદ્ધિ, અશ્પક્ષયોપશમ આદિવાળા શિષ્યોને પણ વ્યામોહ ન થાય અને સારી રીતે સમજી શકે માટે ચારે અનુયોગનું જુદુ-જુદુ વિભાજન કરેલ છે. ચારે અનુયોગ સ્વતંત્ર અને પોત પોતાની અપેક્ષાએ પ્રધાન ભાવને ભજનારા હોવા છતાંય એકબીજાની સાથે જોડાયેલા છે.
શ્રી સમવાયાંગ સૂત્ર, શ્રી સૂયગડાંગ સૂત્ર, શ્રી દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આદિમાં મુખ્યતયા દ્રવ્યાનુયોગનું વર્ણન છે. શ્રી આચારાંગ સૂત્ર, શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી ધર્મ સંગ્રહ, શ્રી શ્રાદ્ધવિધિ, આદિમાં ચરણકરણાનુયોગનું વર્ણન છે. શ્રી સૂર્ય પ્રજ્ઞપ્તિ, શ્રી ચંદ્ર પ્રજ્ઞપ્તિ, શ્રી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ, શ્રી લોક પ્રકાશ, ક્ષેત્ર સમાસ, બૃહત્સંગ્રહણી આદિમાં ગણિતાનુયોગનું વર્ણન છે. શ્રી જ્ઞાતાધર્મકથા, ઉપાસક દશાંગ, ઉપદેશમાલા, ઉપદેશ પ્રાસાદ આદિમાં ધર્મકથાનુયોગનું વર્ણન છે.
જૈન શાસનનું કથા સાહિત્ય પણ બાકીના ત્રણેય અનુયોગથી ભરેલું, માર્મિક, તાત્ત્વિક છે. જેમાં કથાના માધ્યમથી જીવોને તત્ત્વનું જ્ઞાન પીરસવામાં આવ્યું છે. પુણ્ય-પાપના વિવાદો, પુણ્ય-પાપની ચતુર્થંગી, આરાધક-વિરાધકજીવોના પ્રસંગોનો પરમાર્થ પામેલા પુણ્યાત્માઓ આરાધકભાવ કેળવી તે ખસી ન જાય અને વિરાધકભાવથી બચી તે આવી ન જાય માટેપ્રયત્નશીલ બની નિર્વાણપથે પાપા પગલી ભરી કાલાંતરે ચારિત્રને પામી, નિર્વાણને પામે છે.
શ્રી વસ્તુપાલ ચરિત્રમાં પુણ્ય-પાપની ચતુર્થંગી, છે અને છે, છે અને નથી, નથી અને છે અને નથી અને નથી એવા દૃષ્ટાન્તના માધ્યમથી સમજાવી છે. રાજસભામાં રાજાએ માંગેલી આ ચાર વસ્તુઓ તત્ત્વવેત્તા મંત્રીએ ઉદાર શ્રેષ્ઠી, વેશ્યા, સાધુપુરુષ અને માછીમાર જેવી વસ્તુઓ પ્રત્યક્ષ બતાવી - સમજાવી છે.
F