________________
કલ્યાણકભૂમિનો લાભ લઈ શકે અને તીર્થનો વિકાસ પણ થાય તેમ જણાવવામાં આવ્યું ત્યારે પેઢીના અગ્રણીઓ દ્વારા તે વાત તરફ ઉપેક્ષાભર્યું વલણ જણાવાથી તે સમય પૂરતાં તે વાત ઉપર પડદો પાડી દેવા જેવી સ્થિતિ થઈ હતી. | સં. ૨૦૧૮નું મારું ચોમાસુ ધંધુકા કરાવવા માટે સંઘના અગ્રણીઓ પોપટલાલ પાનાચંદ વગેરે વિનંતી કરવા આવ્યા ત્યારે મેં સહસાવનના વિકાસ અંગેની વાતની રજૂઆત તેઓ સમક્ષ કરી ત્યારે તેમણે કહ્યું “આપ ધંધુકા પધારો, આપણે પ્રયત્ન કરશું.” અને મારું ચોમાસુ ધંધુકા નક્કી થતાં તીર્થવિકાસના આ કાર્યને આગળ વધારવા પ્રાથમિક તબક્કામાં થનારા ખર્ચ વિગેરે માટે જરૂરી ફંડ ફાળો કરવાની શરૂઆત થઈ અને અમુક રકમ એકઠી કરવાનું શક્ય બન્યું હતું.
ચાતુર્માસ લગભગ પૂર્ણ થવાના થોડા સમય પૂર્વે ચતુર્વિધ સંઘવતી સુશ્રાવક પોપટભાઈએ સહસાવન કલ્યાણકભૂમિના ઉદ્ધાર અંગે વ્યવસ્થિત લખાણપૂર્વકનો એક પત્ર પોતાના નામે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ ઉપર મોકલાવ્યો જેમાં એમ
પણ જણાવવામાં આવ્યું કે અમે જાણીએ છીએ કે તમે હાલ નવા મંદિર બનાવવા અંગે ઓછી રુચિ ધરાવો છો પરંતુ એક વાત ખાસ જણાવવાની કે આ કોઈ નવું દેરાસર બનાવવાની વાત નથી, આ તો એક કલ્યાણક ભૂમિનો ઉદ્ધાર કરવાની વાત છે. વર્તમાન ચોવિસીના ૨૪ તીર્થકરોની ૧૨૦ કલ્યાણકભૂમિ પૈકી પશ્ચિમ ભારતમાં માત્ર ત્રણ કલ્યાણકભૂમિઓ આવેલી છે અને તે ત્રણેય ભૂમિઓ આ ગિરનારતીર્થ ઉપર આવેલી છે. તેથી આ પવિત્ર કેલ્યાણકભૂમિનો ઉદ્ધાર કરવા આપણે પ્રયત્નો કરવાના છે, અમે ઇચ્છીએ છીએ કે, પેઢી જ આ કાર્ય ઉપાડી લે તો ખૂબ જ સારું પરંતુ જો સંજોગોવશાત્ પેઢી આ કાર્ય કરાવવા ન ઈચ્છતી હોય તો તમારા માર્ગદર્શન મુજબ શ્રી સકળ ચતુર્વિધ સંઘના સાથ સહકારથી અમે આ કાર્ય કરાવવાની ભાવના રાખીએ છીએ....વગેરે.
સુશ્રાવક પોપટભાઈનું પુણ્ય ગણો ! ધંધુકાસંઘના મંત્રી ચીમનભાઈની લેખનશક્તિનો પ્રભાવ ગણો ! સકળ શ્રી ચતુર્વિધસંઘનું પુણ્ય ગણો ! કે જિનશાસનના અધિષ્ઠાયક દેવોની ઈચ્છા ગણો. આ પત્ર મળતાં તરત જ શેઠ શ્રી કસ્તૂરભાઈ તરફથી આ વાતનો સ્વીકાર પત્ર આવ્યો જેમાં તેમણે જણાવ્યું હતું કે તમારી વાત બરાબર છે, આ અંગે એક સરખો પ્લોટ મેળવવા માટે પેઢી પ્રયત્ન કરશે. આ પ્રત્યુત્તરથી અમારા હૈયામાં કંઈક આશા બંધાતા અમે પેઢીમાં જણાવ્યું કે આ કાર્યાર્થ અમે પ્રાથમિક ફાળો કરેલો છે તે માટે શું કરવું ? પેઢી ઉપર મોકલી આપવાનો તેમનો પત્ર મળતાં ફાળાની રકમ પેઢીમાં જમા કરાવવામાં આવી અને પેઢી દ્વારા પણ સક્રિય પ્રયત્નો ચાલુ થઈ ગયા પરંતુ થોડા સમય બાદ પેઢીનો પત્ર આવ્યો કે જગ્યાના અભાવે ત્યાં આ કાર્ય કરવું શક્ય નથી. ફરી સુશ્રાવક પોપટભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે “અમે જગ્યા જોયેલી છે,’ તેના પ્રત્યુત્તરમાં જણાવાયું કે ‘પેઢીનું ટ્રસ્ટીમંડળ જશે ત્યારે જગ્યા જોઈને નક્કી કરશે.’ તે મુજબ ટ્રસ્ટીમંડળને જમીન બતાવવામાં આવી. હવે સરકારમાંથી તે જગ્યા મેળવવા માટે પેઢીમાંથી અનેકવાર અરજીઓ કરવા છતાં તે અરજી વારંવાર નામંજૂર થઈ પાછી આવતી હતી, તે અવસરે સુશ્રાવક પોપટલાલ પાનાચંદ, હીરાભાઈ મણીલાલ તથા જૂનાગઢના વકીલ ચીમનભાઈ સંઘવી વગેરે અનેક સુશ્રાવકોના પ્રચંડ પુરુષાર્થ અને શાસનદેવોની સહાયથી સરકાર તરફથી ત્રણ ટૂકડે જમીન મળી તેથી તે ભૂમિમાં સમવસરણમંદિરના નિર્માણકાર્ય : આરાધનાર્થે આવનાર યાત્રિક તથા સ્ટાફ માટે રહેવાની સગવડો માટેનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો.
સં. ૨૦૩૨માં ધોલેરા તીર્થના જિનાલયના જિર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થતાં જિનાલયના આગળના મેડા ઉપર ચૌમુખજી ભગવાનની પ્રતિષ્ઠા નિમિત્તે જવાનું થયું તે અવસરે ધંધુકાના સુશ્રાવક કપુરચંદની સુપુત્રીની દીક્ષા પ્રસંગે ધંધુકા જવાનું થતાં ત્યાં પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિના પ્રશિષ્ય મુનિશ્રી હેમચંદ્રવિજય આદિ સૌ સંઘની નિશ્રામાં સહસાવન-સમવસરણ મંદિરના કાર્ય માટે એક જ સમિતિની સ્થાપના કરવી તેવો નિર્ણય લેવાયો.
૧૪૪
www.melibrary.org