________________
જપ-તપના પરમ તપસ્વી પૂજ્ય સાધ્વીશ્રી સુશીલાશ્રીજી મહારાજ
પૂજ્ય શ્રી ચંદનશ્રીજી મહારાજના શિષ્યા પૂજ્ય શ્રી રાજશ્રીજી મહારાજ, તેમના શિષ્યા પૂજ્ય શ્રી મુક્તિશ્રીજી મહારાજ. તેઓશ્રી સારા ચિંતનશીલ અને લાગણીશીલ હતાં. અમદાવાદ શામળાની પોળના રહેવાસી તરીકે સંયમી બન્યાં હતાં. પ્રાયઃ સં. ૨૦૦૭માં આત્મશ્રેય સાધી ગયાં. તેમના શિષ્યા પૂજ્ય શ્રી સુશીલાશ્રીજી મહારાજ આત્મખપી જીવ હતાં. તેમની જન્મભૂમિ માંડલ હતી.
તેઓશ્રીને નાનપણથી સંયમ પ્રત્યે પ્રીતિ હતી. પૂજ્ય ગુરૂણીની સારી સેવાભક્તિ બજાવી પણ માતાપિતાને તેમની દીક્ષા લેવાની ભાવના સમજાતાં, તેમને પરાણે પરણાવી દીધાં પરંતુ તેઓ મનથી સંયમી જ રહ્યાં. સંસારી જીવનમાં ક્યારેક ચલિત થવાના પ્રસંગો આવ્યા ત્યારે આત્મભાવ ન ચૂકયાં. તપગચ્છમાં છાની દીક્ષા લઈ લીધી. એક વરસ ત્યાં રહ્યાં પણ તેમને પોતાના પાર્થચંદ્રગચ્છના સાધ્વીજી પાસે જ જીવન વિતાવવું હતું. નાનપણથી જ તે ગચ્છના પાકા અનુયાયી હતા. કઠોર પરીક્ષામાંથી પસાર થઈ આખરે પૂજ્ય શ્રી મુક્તિશ્રીજી મહારાજ પાસે દીક્ષા લીધી.
પૂજ્યશ્રી તપસ્યા સારી કરતાં, જાપમાં વિશેષ રુચિ રહેતી. જ્યારે જુઓ ત્યારે જાપ ચાલુ જ હોય. રાતમાં બે-ત્રણ વાગે પણ તેઓશ્રી ધ્યાનમાં બેઠા હોય. સં. ૨૦૪૫માં ચૈત્રી ઓળીના દિવસોમાં તબિયત જરા નાદુરસ્ત થતાં આયંબિલ કરવાની બધાની મનાઈ છતાં ચાલુ જ રાખ્યા. ૭મા દિવસે તબિયત વધુ નરમ બની ત્યારે શામળાની પોળના બહેનોએ પરાણે પારણું કરાવ્યું. ચૌદશને દિવસે સવારમાં બેસણાનું પચ્ચખાણ પાળ્યું. જાણે કોઈ સૂચન મળી ગયું હોય તેમ પાસેની વ્યક્તિઓને અગાઉથી જણાવી દીધું અને એકાએક તપભાવમાં જ દેવગત થયાં. આત્મશ્રેય સાધીને અમર બની ગયાં. એમનાં શિષ્યા સાધ્વીશ્રી વીરાત્માશ્રીજી પણ ગુણીયલ હતા.
પરમ તપસ્વી પુણ્યાત્માને કોટિ કોટિ વંદના!
સંઘસૌરભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org