________________
શતાયુધાત્રી પૂજ્ય સાધ્વીશ્રી વિવેકશ્રીજી મહારાજ
આ કળિકાળમાં પણ શતવર્ષ ઉપરાંતનું આયુષ્ય ભોગવી સ્વનામધન્યા પૂજ્ય શ્રી વિવેકશ્રીજી મહારાજ યશોનામી બની ગયા. કચ્છ-નાના ભાડિયામાં વિ.સં. ૧૯૫૯ના મહા સુદ પાંચમના શુભ દિને, ૨૧ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરી અને પૂજ્ય શ્રી પ્રમોદશ્રીજી મહારાજના શિષ્યા બની, એક સ્મરણીય વ્યક્તિ તરીકે નામના જમાવી ગયા. ગુરૂણી અને ગુરૂબહેનો સાથે કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ વગેરે અનેક સ્થાનોમાં વિચરીને જ્ઞાનધ્યાન અને તપ-ત્યાગથી જીવન શોભાવી જાણ્યું.
વિ.સં. ૧૯૮૯માં ગુજરાતથી કચ્છ પધાર્યા. ભુજપુર ગામમાં તેમના ગુરૂજી પૂજ્ય શ્રી પ્રમોદશ્રીજી મહારાજ બિમારીમાં સપડાયાં હતા. શ્રી સંઘે સુંદર સેવા ભક્તિ કરી. પૂજ્ય ગુરૂજીની તબિયતના કારણે ત્યાં એક વરસ રહેવાનું થયું. ગુરૂજીની શારીરિક શક્તિ ક્ષીણ થઈ હતી. ઉપચારો કરતાં પણ કાંઈ કારી ન ફાવી, દેહ છોડીને આત્મા દિવંગત થયો. પૂજ્યશ્રીના સગુણો યાદ કરીને શ્રી સંઘે જિનેન્દ્રભક્તિ મહોત્સવ ઉજવ્યો. ગુરૂદેવનો વિયોગ થતાં પૂજ્યશ્રીને ઘણો આઘાત લાગ્યો, પરંતુ મનની વેદના મનમાં સમાવી, સ્વ-પર કલ્યાણ સાધતાં પૂજ્યશ્રીને આનંદશ્રીજી નામના અભ્યાસી શિષ્યા પ્રાપ્ત થતાં આનંદમય બની વિચરતાં રહ્યાં. ગુરૂશિષ્યા એક-બીજામાં તદ્રુપ બને તો જ સંયમી જીવનની સાધના સફળ બને. આ ગુરૂશિષ્યાએ એવી સફળતા મેળવી ચાહના પ્રાપ્ત કરી.
પૂજ્યશ્રી વિવેકશ્રીજી મહારાજની વય ૯૩ વર્ષની થઈ ત્યારે નાના ભાડિયા ગામના શ્રી પાર્થચંદ્રગચ્છ જૈન સંઘે પૂજ્યશ્રીને વિનંતીપૂર્વક કાયમ માટે સ્થિરવાસ રાખ્યાં. આત્મભાવથી તો સ્થિર હતા જ, એમાં હવે દેહથી પણ સ્થિર થયાં. વિ.સં. ૨૦૩૧થી ત્યાં સ્થિરવાસ કર્યો. પૂજ્યશ્રી જેમ જેમ શતાયુ નજીક જતાં ગયાં તેમ તેમ તેમનામાં બાળક સમાન લક્ષણો વિકસતાં ગયાં. દર્શનાર્થે આવનાર ભાવિકો સાથે કાલી કાલી અસ્પષ્ટ ભાષામાં વાતો કરતાં ત્યારે સાંભળનાર હર્ષવિભોર બની જતા. નવકાર મંત્રનો સતત જાપ કરતાં પાટ પર બેઠેલાં પૂજ્યશ્રીને જોવાં એ પણ એક લ્હાવો લેખાતો.
સંઘસૌરભ Jain Education Ternational
For Private & Personal Use Only
www.jainelibrary.org