________________
જ્ઞાનોપાસક મુનિવર શ્રી બાલચંદ્રજી મહારાજ
વ્યાખ્યાન કુશળ, સાહિત્યપ્રિય, જ્યોતિષશાતા, આકર્ષક અને પ્રેમાળ, આબાલવૃદ્ધ સૌને પ્રિય એવા શ્રી બાલચંદ્રજી મહારાજ જૈન સાધુતાના આદર્શ નમૂના સમાન હતા. ખેડૂતના પુત્ર હોવા છતાં પૂર્વના આરાધક એવા આ મુનિવ૨ શ્રમણ-પરંપરાના એક રત્ન બની રહ્યાં.
જન્મ સ્થાન : મસ્તુપુર (તાલુકો સિદ્ધપુર). જન્મ : સં. ૧૯૫૩. સંસારી નામ : બેચ૨. પાંચ વર્ષની વયે માતાપિતાની છાયા ગુમાવી. ફોઈને ત્યાં ઉછર્યા. ભદ્રિક અને દયાળુ પ્રકૃતિના કારણે ખેતરમાં કામ કરતાં જીવજંતુની હિંસા જોઈ જીવ કંપી ઊઠતો, એવામાં પરમ ગીતાર્થ શ્રી ભ્રાતૃચંદ્રજી મહારાજ તથા તેમના શિષ્ય શ્રી પૂનમચંદ્રજી મહારાજનો સમાગમ થયો અને બેચરનો આત્મા સંયમ પ્રત્યે આકર્ષાયો. એક દિવસ ચાલતાં ચાલતાં મહેસાણા, ગુરુમહારાજ પાસે પહોંચ્યા. ત્રણ-ચાર વર્ષના અભ્યાસ પછી સં. ૧૯૭૦માં શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષા લઈ શ્રી પૂનમચંદ્રજીના શિષ્ય મુનિ શ્રી બાલચંદ્રજી બન્યા.
૩૬
Jain Education International
લેખક : મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ
શાસ્ત્રાધ્યયન, ગુરુસેવા અને જપ-તપ તેમના જીવનમાં વણાઈ ગયા હતા. કવિત્વશક્તિ અને વક્તૃત્વશક્તિ તો કુદરતી બક્ષિસ રૂપે મળી હતી. તેમનાં વ્યાખ્યાન સૌને રોચક અને પ્રેરક બનતાં. ભવ્ય મુખાકૃતિ, તેજસ્વી લલાટ, મધુર વાણી તેઓશ્રીની સાધુતાની આભાને પ્રસરાવતાં. તેમને જાતિસ્મરણ દ્વારા ત્રણ ભવની ઝાંખી થઈ હતી. સં. ૨૦૧૯માં નાના આસંબિયા (કચ્છ) ગામે સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. સ્થંડિલભૂમિએ ગયેલા પૂજ્યશ્રીને હૃદયરોગનો હુમલો થતાં સાવધાન બની ખેતરના શેઢે જમીન પૂંજીને સ્થિર થયા અને કાલધર્મ પામ્યા. દૂરથી કોઈ ગોવાળના છોકરાએ આ બધું જોયું અને ગામમાં ખબર આપ્યા.
પૂજ્યશ્રીને શ્રી વિનોદચંદ્રજી તથા શ્રી સુયશચંદ્રજી એ બે શિષ્યો હતા. પૂજ્યશ્રીને આજે પણ જૈન-જૈનેતર વૃદ્ધો ભાવપૂર્વક યાદ કરે છે. એવા એ પૂજ્યવરને શતશઃ વંદના!
For Private & Personal Use Only
સંઘસૌરભ www.jainelibrary.org