________________
-
*-*-- *--* - * * * * * * ( જ્ઞાન પુષ્પાંજલિ )
વિદ્વત્તાથી – અધ્યાપન કુશળતાથી આવા અનેક દૃષ્ટિકોણથી તે સમયમાં પ્રથમ હરોળમાં આવી શકે એવા વિદ્વાન્ પંડિત હોવા છતાં અહંકારનું નામોનિશાન તેઓમાં ગોત્યું જડે તેમ ન હતું. મોટાઈની તેમને કોઈ ખેવના ન હતી. ક્યારેક ઊભી થતી પ્રતિકૂળતાઓને પણ સહજ સ્વીકારી લેતા. કોઈ ફરિયાદ કરતા નહિ. ભણાવતી વખતે ઘણી વાર કહેતા “હું ભણાવતો નથી, હું તો ભણું છું. કારણ કે જે ભણાવે છે તે જ ભણે છે. નમ્રતાગર્ભિત તેમનાં આ શબ્દગુંજનો આજે ય સ્મૃતિપથમાં એવાં જ તાજાં છે.
સરળતા પણ અવલકોટીની, આટલી વિદ્વત્તા હોવા છતાં સત્કાર - સન્માનની કોઈ અપેક્ષા નહિ. હાર - તોરા પહેરવાની કોઈ ઝંખના નહિ, બધા મને આગળ બોલાવે આગળ બેસાડે એવી કોઈ કામના નહિ, તેમની એક જ પ્રબળ ઇચ્છા હતી, “સંઘ અને શાસન માટે મારે સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવી-ગણાવીને તૈયાર કરવા છે.” જીવનની છેલ્લી ઘડી સુધી શરીરની સ્વાથ્યની પરવા કર્યા વગર તેમણે તેમનું આ મિશન ચાલુ રાખ્યું.
આંખે ઓછું દેખાય, કાને ઓછું સંભળાય, વૃદ્ધાવસ્થા વધતી જાય, શરીર ઢીલું થાય, આવતાં – જતાં ક્યારેક કોઈ સાથે ન હોય તો અથડાવાનુંય થાય, છતાં આ બધાની પરવા કર્યા વગર તેઓ પોતાના અધ્યાપનકાર્યમાં વ્યસ્ત અને મસ્ત રહેતા. તેઓ કહેતા, “સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવવાનું થાય છે એટલે જ મારું શરીર સારું ચાલે છે. ભણાવાનું બંધ કરું તો માંદો પડી જાઉં.”
ઘણી વાર તાવ કે અસ્વસ્થતા જેવું હોય ત્યારે હું કહેતો, “પંડિતજી બેચાર દિવસ થોડો આરામ કરી લ્યો. પછી પાઠ ચાલુ કરીશું.” ત્યારે તેઓ કહેતા, “મારે તો ભણાવવું એ જ આરામ છે. ભણાવવામાં મોટું જ ચલાવવાનું છે ને ક્યાં દોડાદોડ કરવી છે ?” આવી હતી તેમની અધ્યાપનલગન ... પોતાની અસ્વસ્થતાને લીધે પણ ગુરુભગવંતોનો પાઠ બગડે એ એમને પાલવે તેમ ન હતું. આ પ્રસંગો પુરવાર કરે છે કે “તેઓ દિલથી ભણાવતા હતા.” પૈસા ખાતર જ ભણાવતા હોય તેઓ તો એક દિવસ માંદા પડતા ચાર દિવસની Official રજા પર ઊતરી જાય.
પાઠ આપતા ઘણી વાર મહેસાણા “યશોવિજયજી પાઠશાળા'ને યાદ કરતા. કારણ તેમાં તેઓએ ધાર્મિક અધ્યયન કર્યું હતું. આ તેમનો કૃતજ્ઞતાભાવ હતો.
જિંદગીના લગભગ ૬૦/૬૦ વર્ષ સુધી સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવીને કેટલું અઢળક પુણ્ય બાંધ્યું હશે !! આવા શુદ્ધ અને સાત્ત્વિક પુણ્યના પ્રભાવે જ તેમને જીવનની અંતિમ ઘડી સુધી સમાધિ મળી, મનની પ્રસન્નતા મળી, શરીરની સ્વસ્થતા મળી, સાધુ-સાધ્વીજીને અધ્યાપન કરાવતા રહેવાનો યોગ મળ્યો, તેઓશ્રીના શ્રીમુખે અંતિમ આરાધના થઈ, અને અધ્યાપન કરાવતાં કરાવતાં જ આતમાં ઢળી પડ્યો. * કહેવાય છે કે, “જીવનભર જે ઘૂંટ્યું હોય તે અંત સમયે સાથે રહે.” એ ઉક્તિ ખરેખર સાચી પડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org