________________
Shri Ashtapad Maha Tirth.
જૈન ધર્મમાં સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ પણ ‘જંગમ તીર્થ' તરીકે ઓળખાય છે. તીર્થંકરો આ જંગમ તીર્થની સ્થાપના કરે છે. માટે પણ તેઓ તીર્થંકર કહેવાય છે.
* તીર્થ ઃ
તારે તે તીર્થ. તીર્થને પ્રવર્તાવે તે તીર્થંકર. તીર્થ એટલે ઘાટ અથવા તો કિનારો. ઘોર સંસાર સમુદ્રમાં સફર કરતાં જહાજોને એમની સફર પૂરી કરાવી કાઢે પહોંચાડે તે તીર્થ ! તારણ સ્થળ ! અહીં પહોંચ્યા પછી માનવીને દુન્યવી જોખમ વેઠવાનાં હોતાં નથી અને આધ્યાત્મિક પ્રગતિ સાધે છે. જૈન ધર્મમાં તીર્થનું સવિશેષ મહત્ત્વ છે. સ્વયં તીર્થંકરો દેશના (ઉપદેશ) આપતાં પહેલાં સમવસરણ (ધર્મપરિષદ)માં ‘નમો તિસ્થા’ પદનું ઉચ્ચારણ કરીને તીર્થનો મહિમા કરે છે અને ભાવતીર્થોને નમસ્કાર કરે છે.
આવાં તારણસ્થળો એટલે કે તીર્થો બે પ્રકારનાં કલ્પવામાં આવ્યાં છે.
એક ભાવ તીર્થ અને બીજાં દ્રવ્ય તીર્થ.
બંનેનો ઉદ્દેશ આત્માની પવિત્રતા જગાડવાનો છે. રાગ-દ્વેષના બંધન ઢીલાં કરીને આખરે નિર્મૂળ કરવાનાં છે. ભાવતીર્થ એટલે અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ અને શ્રાવકો.
જૈન ધર્મમાં સંઘને પણ એક તીર્થ લેખવામાં આવ્યો છે. તીર્થંકર ભગવાન સ્વયં મોક્ષમાર્ગને અનુસરનાર એવા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા જેવા ચતુર્વિધ સંઘને તીર્થનું ગૌરવ આપે છે. આ ગૌરવ તે જૈન ધર્મની વિરલ વિશિષ્ટતાનું સૂચન કરે છે. જગતના અન્ય ધર્મોમાં ધર્મનું પાલન કરનારાઓને આટલો ઊંચો દરજ્જો આપવામાં આવતો નથી. એમને તીર્થ સમાન હોવાનું માન અપાતું નથી. એ તીર્થના ઉપાસક ગણાય. પરંતુ સ્વયં તીર્થસ્વરૂપ ન ગણાય. જૈન ધર્મે પોતાના સંઘનાં સાધુ, સાધ્વી ઉપરાંત શ્રાવક, શ્રાવિકાને પણ તીર્થસ્વરૂપ હોવાનું ગૌરવ આપ્યું છે. આ જ બાબત માનવી સાધનાથી કેટલું બધું પ્રાપ્ત કરી શકે છે એનો જિકર કરી જાય છે. આમાં તીર્થંકર ટોચ પર બિરાજે છે અને તેથી જ તેઓ સંઘના આરાધ્ય દેવ અને દેવોને પણ વંદનીય એવા દેવાધિદેવ ગણાય છે.
દ્રવ્યતીર્થ એટલે મંદિરો, દેરાસરો, સ્તૂપો, ગુફાઓ અને ચૈત્યો.
દરેક ધર્મને જેમ તીર્થો હોય છે તેમ વિશાળ ભારત વર્ષમાં અને વિદેશોમાં જૈનોનાં ઠેર ઠેર નાનાં મોટાં અનેક દેરાસરો મળે છે.
* પાંચ મુખ્ય તીર્થ ઃ
જૈનોનાં સકલ તીર્થોમાં પણ પાંચ તીર્થો આંગળીને વેઢે ગણવામાં આવે છેઃ અષ્ટાપદ, સમ્મેતશિખર, આબુ, ગિરનાર અને શત્રુંજય.
આ પાંચમાં અષ્ટાપદ તીર્થ આજે લુપ્તપ્રાયઃ છે, તે અંગે અત્યારે સંશોધન ચાલી રહ્યું છે.
આ પાંચ તીર્થોમાં સમ્મેતશિખર ઉત્તર ભારતના બિહારમાં આવેલો ભવ્ય અને પવિત્ર પર્વત છે. એની પરમ પાવનતા એક-બે નહીં, પણ વીસ વીસ તીર્થંકરોની નિર્વાણભૂમિ હોવાને કારણે જૈન ધર્મમાં એનું વિશેષ મહત્ત્વનું સ્થાન છે.
બાકીનાં ત્રણ તીર્થો ગુજરાતમાં આવ્યાં છે. અગિયારમી સદીના શિલ્પ સ્થાપત્યથી જગમશહૂર આબુ એની કીર્તિથી સુવિખ્યાત છે. ગિરનાર મહાભારતકાળથી પંકાયેલો, ભગવાન અરિષ્ટનેમિ અને મહાસતી રાજુલની ચરણરજથી પવિત્ર થયેલો પહાડ છે. આ ચાર પર્વતોમાં આબુ સૌથી ઊંચો છે. તે પછી સમ્મેતશિખર આવે છે, પછી ગિરનાર અને ત્યાર બાદ સૌથી છેલ્લો આવતો પણ સકલ તીર્થોમાં વડું તીર્થ ગણાતો શત્રુંજય છે.
Shri Ashtapad Maha Tirth
* 104 -