________________
Shri Ashtapad Maha Tirth
આ પૃથ્વીને ત્યજીને આપે દુર્ગમ એવા લોકાગ્રને પ્રાપ્ત કર્યો છે. જોકે આપ તો આ ત્રિલોકને એકદમ ત્યજીને ચાલ્યા ગયા છો, છતાં તે ત્રિલોક બળાત્કારે આપને સ્પષ્ટપણે પોતાનાં હૃદયમાં ધારી રાખશે. આપના ધ્યાનરૂપ દોરીને અવલંબીને રહેલા મારા જેવા આત્માઓ આપનાથી દૂર હોવા છતાં પણ આપની પાસે જ છે, તો પછી હે નાથ! “અમને ત્યજીને આપ પહેલાં કેમ ચાલ્યા ગયા? અશરણ એવા અમને અહીં જ મૂકીને એકદમ આપ જેમ અહીંથી ચાલ્યા ગયા, તેમ અમે જ્યાં સુધી આપની પાસે ન પહોંચીએ, ત્યાં સુધી અમને ત્યજીને આપ અમારા ચિત્તમાંથી ચાલ્યા ન જતા.” આ પ્રમાણે ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીની સ્તુતિ કરીને તેમ જ નમ્રતાપૂર્વક ત્યાં બિરાજમાન અન્ય અરિહંત પ્રભુની નવીન ઉક્તિ તથા યુક્તિઓથી નમસ્કાર કરીને ભરતેશ્વરે સ્તવના કરી.
આ રીતે અષ્ટાપદ તીર્થ પર શ્રી ભરતેશ્વરે જિનમંદિર બંધાવ્યાં પછી, તેમણે વિચાર કર્યો કે, કાલના પ્રભાવથી જેઓનું સન્ત ક્ષીણ થયું છે, એવા મનુષ્યો દ્વારા આ રત્નમય જિનપ્રાસાદની આશાતના ન થાઓ.” આમ જાણીને તેમણે તે પર્વતનાં શિખરોને તોડી નાખી, એક-એક યોજનાના અંતે દંડરત્નથી આઠ પગથિયાઓ કર્યા, ત્યારથી તે પર્વત “અષ્ટાપદ'ના નામથી પ્રસિદ્ધ થયો. આ પ્રમાણે સઘળું કરીને ભગવાન શ્રી ઋષભદેવસ્વામીના નિર્વાણથી અતિશય દુઃખને ધારણ કરતા ભરતેશ્વર માત્ર દેહને લઈને, મન ત્યાં રાખી અષ્ટાપદ પર્વત પરથી નીચે ઊતર્યા. ભગવાનના નિર્વાણથી શોક કરતા લોકોએ મૂકેલાં આંસુથી રજરહિત થયેલી પૃથ્વીને લંઘતા રજોગુણરહિત ભરત મહારાજા ક્રમે વિનીતાનગરીમાં આવ્યા. રાજધાનીમાં તે સમયે ભરતેશ્વરનું ચિત્ત ગીતમાં કે મનોરમ કવિતારસમાં, સુંદર સ્ત્રીઓમાં કે વાવડીઓમાં લાગતું ન હતું. નંદનવનોમાં, પુત્ર-પરિવારમાં કે ચંદનમાં તેમને આનંદ થતો ન હતો. મનોહર હારમાં કે આહાર-પાણીમાં પણ પિતાશ્રી ઋષભદેવસ્વામીના નિર્વાણથી ભરતેશ્વરને આનંદ ઊપજતો ન હતો. તેમનું ચિત્ત હંમેશાં ઉદ્વેગ પામતું હતું. બેસતાં, સૂતાં, ચાલતાં તેમ જ સમગ્ર કાર્યમાં પોતાના ચિત્તમાં કેવળ પ્રભુનું જ ધ્યાન ધરતા.
ભગવાન ઋષભદેવસ્વામી, ભરતરાજર્ષિ આદિનાં નિર્વાણ સ્થાન શ્રી અષ્ટાપદતીર્થનો મહિમા અપાર છે. શુભ ભાવનાવાળો પ્રાણી અષ્ટાપદતીર્થ પર આઠ કર્મોને ભેદી, અષ્ટપ્રકારની શુભ સિદ્ધિઓને પ્રાપ્ત કરી, પરમપદને પ્રાપ્ત કરે છે. અષ્ટાપદ તીર્થ પર બિરાજમાન આઠ પ્રાતિહાર્ય સહિત શ્રી જિનેશ્વરદેવને અષ્ટપ્રકારી પૂજાથી જો પૂજ્યા હોય, તો ભવ્ય આત્મા, આઠ કર્મોનો ક્ષયથી આઠ ગુણોના સ્થાનને પ્રાપ્ત કરે છે. આ ગિરિ પર ઉત્તમ હૃદયવાળો પ્રાણી પ્રસન્ન વદને શુભ ભાવનાથી વાસિત બની ઉત્કૃષ્ટ તપને આચરનારો થાય, તો તે સંસારના કષ્ટથી મુક્ત બને છે. પવિત્ર ભાવનાવાળો જે પ્રાણી, આ અષ્ટાપદતીર્થની યાત્રા કરે છે, તે ત્રણ ભવ અથવા સાત ભવમાં શિવમંદિરને પ્રાપ્ત કરે છે. ખરેખર શાશ્વત જિનમંદિરની ઉપમા જેવા પુણ્યરાશિ, ઉજ્જવલ મહાતીર્થ શ્રી અષ્ટાપદ ગિરિરાજ ત્રણેય ભુવનોને સારી રીતે પવિત્ર કરે છે.
-
69
-
- Shri Shatrunjay Mahatmya