________________
IR II
શું એમની દિવ્ય પ્રતિભા હશે ! કે ગુર્જરેશ્વરોના ઉન્નત મસ્તકો તેમને નમતા હોય, સરસ્વતીના તટ ઉપર સરસ્વતીનો સાક્ષાત્કાર કરાવતા જે સૂરીશ્વરના ચરણોને મોટા રાજરાજેશ્વરો સ્વર્ણ કમલથી પૂજતા હોય, પ્રકાંડ વિદ્વાનો પણ તેમની બુદ્ધિ પ્રતિભા જોઈ પાણી પાણી થઈ જતા હોય.
ગુજરાતની ધરા ઉપર એમણે જે ઉપકારો કર્યા છે તેને શબ્દસ્થ કરવા અશકય છે, ઘર-ઘરમાં આજે પળાતી અહિંસા અને જયણાના ઝરણાનું મૂળ છે ‘કલિકાલ સર્વજ્ઞ’.
સરસ્વતીની સાધના કરી સ્વયં જ્ઞાનસિદ્ધ બન્યા અને જ્ઞાનનો ધોધ વહેવડાવી અનેકોના મિથ્યાંધકારોને દૂર કર્યા. સદાચાર અને સુસંસ્કારોના સિંચનથી ગુજરાતની ધરતીને ગુણનિષ્પન્ન બનાવી હતી.
સિદ્ધરાજ જયસિંહ જેવા પ્રતાપી રાજાઓને પ્રતિબોધ કરી તેમને જૈન ધર્મના રાગી બનાવ્યા હતાં. તેના દ્વારા જૈન શાસનની જબરજસ્ત પ્રભાવનાઓ કરાવી હતી. આચાર્યશ્રીના ઉપદેશનું પાલન કરી સિદ્ધરાજે ‘સિદ્ધવિહાર’, ‘રાયવિહાર’ જેવા ઉત્તુંગ અને ભવ્ય જિનાલયોના સર્જન કર્યા હતા.
સિદ્ધરાજની વિનંતિથી ‘સિદ્ધ-હેમ’નામના શબ્દાનુશાસનની રચના કરી. આ દુષ્કરસર્જનને પટ્ટહસ્તી ઉપર સ્થાપી શોભાયાત્રા દ્વારા આખા ગામમાં ફેરવી આચાર્યશ્રીની વિદ્વત્તાનું ગૌરવ આસમાને પહોંચાડવું. સંસ્કૃત-પ્રાકૃતશૌરસેની-માગધી-પિશાચી-ચૂલિકાપિશાચી-અપભ્રંશ વિ. ભાષાઓનું સાંગોપાંગ બોધ કરાવતું આ વ્યાકરણ વિશ્વનું બેજોડ સર્વમાન્ય રાષ્ટ્રીય વ્યાકરણ બન્યું. ત્રણસો લહિયાઓ બેસાડી સિદ્ધરાજે આ વ્યાકરણની સેંકડો-હજારો નકલો લખાવી ગામેગામ મોકલી.
પ્રજા સુખચેનથી રહી શકે અને રાજા પણ રાજ્યને સુરાજ્ય બનાવી શકે એવા કિમિયાઓનો પ્રકાશ પાથરતાં “અર્જુન્નીતિ” જેવા ગ્રંથોના સર્જનમાં પણ તેમણે ક્યાંય કચાશ છોડી નથી.
યોગશાસ્ત્ર (મૂળ ૧૨૦૦ શ્લોક અને બાર હજાર શ્લોક પ્રમાણ સ્વોપજ્ઞ ટીકા સહિત) જેવા ગ્રંથો સર્જી યોગસાધના અને ધ્યાન સાધનાની દુનિયામાં દિવ્ય પ્રકાશ પાથર્યો. સાધુ અને શ્રાવક જીવનની આચારચર્ચાઓને અદ્ભુત રીતે તેમાં વણી લીધી.
**********
IR II