________________
૧.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
(૧૩)
બાર ભાવના
(વ.મૃ.પૃ.૩૫) અનિત્યભાવના :- શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે; એમ ચિંતવવું તે પહેલી અનિત્યભાવના.
અશરણભાવના :- સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે, એમ ચિંતવવું તે બીજી અશરણભાવના.
સંસારભાવના :- આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ ? એ સંસાર મારો નથી; હું મોક્ષમયી છું; એમ ચિંતવવું તે ત્રીજી સંસારભાવના. એકત્વભાવના :- આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે, પોતાનાં કરેલા કર્મ એકલો ભોગવશે, અંતઃકરણથી એમ ચિંતવવું તે ચોથી એકત્વભાવના.
અન્યત્વભાવના :- આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી અન્યત્વભાવના.
અશુચિભાવના :- આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રોગ જરાનું નિવાસધામ છે, એ શરીરથી હું ન્યારો છું; એમ ચિંતવવું તે છઠ્ઠી અશુચિભાવના.
આશ્રવભાવના :- રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઈત્યાદિક સર્વ આશ્રવ છે એમ ચિંતવવું તે સાતમી આશ્રવભાવના.
સંવરભાવના :- જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવાં કર્મ બાંધે નહીં તે આઠમી સંવરભાવના.