________________
(૩૮૩) તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્ગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં; જાણવાનો પ્રતિબંધક અસત્સંગ, સ્વચ્છેદ અને અવિચાર તેનો રોધ કર્યો નહીં જેથી સમજવું અને શમાવું તથા બેયનું ઐક્ય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે.
અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને સમાય, એ નિઃસંદેહ છે.
અનંત જ્ઞાની પુરુષ અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે, અને નિઃસંદેહ છે.
પત્ર ૭૦૬ વડવા (સ્તંભતીર્થ સમીપ), ભાદરવા સુદ ૧૧, ગુરુ, ૧૫ર શુભેચ્છા સંપન્ન આર્ય કેશવલાલ પ્રત્યે, લીંબડી
સહજાભસ્વરૂપે યથાયોગ્ય પ્રણામ પ્રાપ્ત થાય. ત્રણ પત્રો પ્રાપ્ત થયાં છે. “કંઈ પણ વૃત્તિ રોકતાં, તે કરતાં વિશેષ અભિમાન વર્તે છે તેમ જ તૃષ્ણાના પ્રવાહમાં ચાલતાં તણાઈ જવાય છે, અને તેની ગતિ રોકવાનું સામર્થ્ય રહેતું નથી' ઈત્યાદિ વિગત તથા ‘ક્ષમાપના અને કર્કટી રાક્ષસીના યોગવાસિષ્ઠ સંબંધી પ્રસંગની જગતભ્રમ ટાળવા માટેમાં વિશેષતા' લખી તે વિગત વાંચી છે. હાલ લખવામાં ઉપયોગ વિશેષ રહી શકતો નથી, જેથી પત્રની પહોંચ પણ લખતાં રહી જાય છે. સંક્ષેપમાં તે પત્રોના ઉત્તર નીચે લખ્યા પરથી વિચારવા યોગ્ય છે.
૧. વૃત્તિઆદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તો પણ કરવો ઘટે. વિશેષતા એટલી કે તે અભિમાન પર નિરંતર ખેદ રાખવો. તેમ બને તો ક્રમે કરીને વૃત્તિઆદિનો સંક્ષેપ થાય, અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય.