________________
(૩૫૨)
સંતના હૃદયનો-ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ છે- અને એ સઘળાંનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ-અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અધિક શું લખવું ? આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી મોડે અથવા વહેલે એ જ સૂજ્યે-એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સમ્મત છે.
પ્રસંગોપાત પત્ર લખવાનો લક્ષ રાખીશ. આપના પ્રસંગીઓમાં જ્ઞાનવાર્તા કરતા રહેશો અને તેમને પરિણામે લાભ થાય એમ મળતા રહેશો.
અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. આપ તેની વિદ્યમાનતાએ પત્રનું અવલોકન કરશો, અને તેના તેમ જ ત્રિભોવનને ઉપયોગ માટે જોઈએ તો પત્રની પ્રતિ કરવા આપશો. મિતિ એ જ. એ જ વિજ્ઞાપન.
સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર રાયચંદની વંદના
શ્રીએ જણાવ્યું :– પત્ર ૧૭ર પ્રમાણે સત્પુરુષ પ્રત્યે દ્રષ્ટિ રાખવા યોગ્ય છે. તે પત્ર ભક્તિ પ્રાધાન્ય છે અને શારીરિક વેદના એ ભયનો હેતુ છે ને જીવને ભય વગર પ્રીતિ નથી. પ્રીતિ વગર પ્રતીતિ નથી, અને પ્રતીતિ વગર જીવ ધર્મ પામતો નથી. માટે આ પત્ર (નં. ૧૭૨) વારંવાર વાંચવાથી સત્પુરુષ પ્રત્યે ભક્તિ ભાવ જાગૃત થાય છે.