________________
(૨૨૬)
પછી ગમે તો દુ:ખ આવો, રોગ આવો, ગમે તો દેહ છૂટી જાઓ પણ મારી શ્રદ્ધા એક જ અચળ રહો.
‘‘સમકિત સાથે સગાઈ કીધી, સ્વપરિવારશું ગાઢી,
મિથ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બાહેર કાઢી.’’
વ્રત નિયમ કરવાં એ તમારો અધિકાર છે. એ કર્મની પ્રકૃતિ છે. તે આત્મા નથી.
‘‘બ્રહ્મ સત્યં જગત મિથ્યા'' આત્મા સત્ અને જગત મિથ્યા. જ્ઞાની એ આત્મા છે, તેમની શ્રદ્ધા તે જ સમકીત છે એ એક જ સત્ય છે.
દિવસ હોવા છતાં જ્ઞાની રાત કહે-તો તે પ્રમાણે પોતાના વિકલ્પો મૂકીને રાત કહેવી.
એવી શ્રદ્ધાવાળા જીવો પરમકૃપાળુદેવના વખતમાં હતા. એવી શ્રદ્ધા જોઈએ. જે જીવોને પરમકૃપાળુદેવની શ્રદ્ધા થઈ છે તેમના પ્રત્યે અમને પૂજ્યભાવ છે કારણ સત્યને વળગ્યા છે, તેથી તેમનું કલ્યાણ થવાનું છે. ***
(સં. ૧૯૮૬માં પ.પૂ. પ્રભુશ્રીએ ચાર દિવસ એટલે તેરસ, ચૌદશ, દિવાળી અને એકમના દિવસે, રાત્રે છત્રીસ છત્રીસ માળા ફેરવવાનો ક્રમ જણાવ્યો હતો.
૩ માળા ‘‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ’’ મંત્રની, ૨૮ માળા ‘‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ’’ મંત્રની અને ૫ માળા ‘‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે’’ મંત્રની.
તે છત્રીસ માળા સુધી પણ જે સામાયિકમાં બેઠા હોય તેમ ન બેસી શકે તે સવાર સાંજ થઈને ૩૬ માળા ફેરવી લે. એમ ૧૪૪ માળા માત્ર સમાધિમરણની ઈચ્છાથી ફેરવે. કોઈ પણ પ્રકારની આ લોક પરલોકની વાંછા-નિયાણું ન કરે; ચાર દીવસ યથાશક્તિ તપ કરે; ઉપવાસ, એકટાણું કે નીરસ આહારથી ચલાવે તથા બ્રહ્મચર્ય પાળે. શુભ ભાવનામાં ચારે દિવસ ગાળે તો તે સમાધિમરણની તૈયારી છે.)