________________
(૧૦૧) મરણ આવે ત્યારે શું કરવું? બધાએ જવાબ આપ્યા પછી શ્રીએ કહ્યું-“આ વાત બહુ ગહન છે. સાંભળેલું સંભળાવું છું. આ જીવ સમયે સમયે મરી રહ્યો છે. માટે સમયે સમયે જાગૃતિ રાખવી-એક સમયનો પ્રમાદ ન કરવો. દહાડામાં મૃત્યુ સંભારવું. એટલે મમત્વભાવ નહિ થાય. પ્રમાદ જેવો એકે દોષ નથી, જે હાથમાં આવેલ રત્નચિંતામણી હરી લે છે.” પ્રમાદઃઆત્માને પરમાં માનવો, આત્માને ભૂલી જવો.
પત્ર (૭૨૫) જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતાં તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણિરત્નથી પરમ માહાભ્યવાન અને મૂલ્યવાન દેખાય છે અને જે દેહાંર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તો એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિઃસંદેહ દેખાય છે.
પત્ર (૩૦૩) ......મોક્ષસાધનના કારણરૂપ હોવાથી તેને ચિંતામણી જેવો કહ્યો છે, તે સત્ય છે. પણ જો તેથી મોક્ષસાધન કર્યું તો જ તેનું એ માહાભ્ય છે, નહીં તો પશુના દેહ જેટલી યે વાસ્તવિક દ્રષ્ટિથી તેની કિંમત દેખાતી નથી.
પત્ર (૯૩૫) ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો!
જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમ પદનો જય કર્યો.