________________
૧૨
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ, તો પામે સમકતને, વર્તે અંતર શોધ. ૧૦૯ મતદર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ, લહે શુદ્ધ સમકીત તે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકત. ૧૧૧ વર્ધમાન સમકીત થઈ, ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો, વીતરાગપર વાસ. ૧૧૨ કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન, કહિયે કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩ કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ૧૧૫ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ, બીજું કહિયે કેટલું, કર વિચાર તો પામ. ૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર શમાય, ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિ માય. ૧૧૮