________________
(૪૦૧) ઉપદેશ નોંધ ૩૧
*
વ.મૃ.પૃ.૬૭૪
આસ્થા તથા શ્રદ્ધા :
દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી. એમાં જરા પણ શંકા રાખવી નહીં. આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે, અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી.
સિત્તેર કોટાકોટિ સાગરોપમ સ્થિતિ અંતર્મુહૂર્તમાં બંધાય છે; જેને લઈને જીવને અસંખ્યાતા ભવ ભ્રમણ કરવા પડે છે.
ચારિત્રમોહનો લટક્યો તે ઠેકાણે આવે છે, પણ દર્શનમોહનો પડ્યો ઠેકાણે આવતો નથી. કારણ, સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. વીતરાગરૂપ જ્ઞાનીના વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી. તેના
અવલંબને રહી સીસું રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને ઓધે પણ મજબૂત કરવી. - જ્યારે જ્યારે શંકા થવાનો પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પોતાની ભૂલ જ થાય છે. વીતરાગ પુરુષોએ જ્ઞાન જે મતિથી જ્હયું છે, તે મતિ આ જીવમાં છે નહીં; અને આ જીવની મતિ તો શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તો તેટલામાં જ રોકાઈ જાય છે. તો પછી વીતરાગના જ્ઞાનની મતિનો મુકાબલો ક્યાંથી કરી શકે ? તેથી બારમા ગુણસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે.
અધિકારી નહીં છતાં પણ ઊંચા જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવે છે તે માત્ર આ જીવે પોતાને જ્ઞાની તથા ડાહ્યો માની લીધેલો હોવાથી તેનું માન ગાળવાના હેતુથી અને નીચેના સ્થાનકેથી વાતો કહેવામાં આવે છે તે માત્ર તેવો પ્રસંગ પ્રાપ્ત થયે નીચે ને નીચે જ રહે.