________________
(૨૯૬)
સમાધિમરણ માટે અત્યારથી તૈયારી
તત્ સત્ સહજાન્મસ્વરૂપ પરમગુરૂ
સંવત ૧૯૮૬ ફાગણ સુદ પૂર્ણિમા તા. ૧૪-૩-૩૦ ના રોજ રાત્રે ૯.૩૦ થી ૧૦ વાગ્યાના સમયે પ.ઉ.પ્રભુશ્રીએ એક ભાઈને બોલાવીને બોધ કરેલો તેની હાથનોંધ પ.ઉ.પ્રભુશ્રીને આપેલી અને એમના રૂબરૂ વાંચી સંભળાવી હતી તેની નકલ :
૫.ઉ.પ્રભુશ્રીએ કહ્યું - આજે કંઈક આંતરિક ફુરણાથી પુરાણપુરુષની પૂર્ણ કૃપાથી અમે તમને અમારું અંતર ખોલીને વાત કરવા બોલાવ્યા છે. તે વાત નથી સંસારની કે નથી સ્વાર્થની કે નથી વેપારની, પણ માત્ર આત્મહિતાર્થની, પરમાર્થની છે. આ દેહનો ભરોસો શો ? અવસ્થા થઈ એટલે અંતર ખોલી આ ખુલે ખુલ્લી વાત અમે તમને જણાવીએ છીએ. આ હજુ અમે કોઈને કહી નથી. તમને કહેવા યોગ્ય જાણી, કહેવા પ્રેરણા થવાથી, આજે ચાર પાંચ દિવસથી બોલાવું બોલાવું એમ થતું હતું. આ અમે કહીએ છીએ તે બરાબર લક્ષમાં રાખશો. દિન પ્રતિદિન, સમયે સમયે ઉપયોગમાં રાખશો. એ જ કરવાનું છે. આ બધું આજે ન સમજાય પણ શ્રદ્ધા છે તેથી માન્ય રાખવાનું છે અને તે આગળ ઉપર અવસરે સમજાશે.
શ્રી મહાવીર સ્વામીએ ગૌતમસ્વામીને આજ્ઞા કરી હતી કે “જાવો, અમુકને આમ કહેજો.”
પરમકૃપાળુદેવે સોભાગભાઈને કહીને મોકલ્યા કે “મુનિને, આ પ્રમાણે કહેજે” એમ અમને પ.ક.દેવે નથી કહેલ કે “તમે આ પ્રમાણે કહેશો”
આ વ્યક્તિગત આજ્ઞાની વાત છે. કૃપાળુદેવે પત્રોમાં સામાન્યપણે “આમ આત્માર્થીને કહેવું, આ પ્રકારનો ઉપદેશ કર્તવ્ય છે” આદિ પત્રોમાં જણાવેલ છે જે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ જોતા જણાશે.