________________
(૨૩) સાચો પુરુષાર્થ – આટલું હોય તો બસ છે પરમોપકારી પ્રભુશ્રીજીએ પૂ.મનસુખભાઈ દેવસી ઉપર લખેલ પત્રમાંથી ઉતારો. સંવત્ ૧૯૮૩.
ત્રણ લોકનું તત્ત્વ અને ત્રણ લોકનું કલ્પવૃક્ષ તે તો સાક્ષાત્ સજીવન મૂર્તિ સહજાત્મસ્વરૂપ પામેલ એવા સદ્દગુરુના ચરણકમળ છે. તેના તો અમે દાસાનુદાસ છીએ. અને તે ચરણકમળની જેને સેવા પ્રાપ્ત થઈ છે એટલે જેનો આત્મા સરળતાથી તે સદ્ગુરુની આજ્ઞા ઉપાસે છે તેને તો ત્રણેય લોકનું તત્ત્વ અને ત્રણલોકનું કલ્પવૃક્ષ પ્રાપ્ત થઈ ચૂક્યું છે અને અનાદિકાળથી યાચકપણું હતું તે મટી અયાચકપણું પ્રાપ્ત થયું છે. હવે એને ખામી શી ? જે પોતાના પ્રમાદની ખામી હોય તો તે પ્રમાદને-વૈરીતુલ્ય જાણી ત્યાગવો જોઈએ, અને તે સદ્દગુરુના ચરણકમળનું નિરંતર ધ્યાન, સ્મરણ કે તેના પવિત્ર વચનોનું પાન થતું હોય તો કંઈપણ બીજું જોઈતું નથી. અમારી તો તે જ માન્યતા છે કે “આટલું હોય તો બસ છે” અમારી તો અખંડપણે તે ચરણકમળની સેવા ધ્યાનમાં રહેવાની ઈચ્છા છે અને તે જ પુરુષાર્થ કરવાનો છે. અમે પણ તે જ પુરુષાર્થ કરીએ છીએ અને આપ વગેરે સર્વેએ તે જ પુરુષાર્થ કરવો એવી દીનબંધુ કરુણાસાગર સદ્ગુરુ પાસે યાચના છે. તથાસ્તુ-જય થાઓ ! વહેલાં વહેલાં તાકીદ કરી તે સદગુરુના ચરણમાં સર્વે જીવો રહો ! એ ભાવના કરી આ પત્ર પૂરો કર્યો છે. - તા.ક. :- પ.પૂ.મહારાજશ્રી (પ્રભુશ્રીએ જણાવ્યું છે કે, દેવાધિદેવ પતિતપાવન પરમકૃપાળુદેવને આ હૂંડાવસર્પિણીકાળ દેખીને એમ મનમાં આવેલું કે આ કાળમાં અમારો જન્મ ક્યાંથી થયો ? આવા દુષમકાળમાં સમભાવ પરિણામે પ્રવર્તવું ઘણું દુર્લભ છે. જીવાત્માઓની પ્રકૃતિઓ જુદા જુદા વર્તનવાળી જોઈ ખેદ થાય છે. સમભાવી જીવાત્મા આ કાળમાં ઘણા જ થોડા દેખાવ દે છે. ત્યાં હવે શું કરવું? ક્યાં કોઈ કોઈને કહેવા જેવું રહ્યું છે? કહેવા જઈએ ત્યાં તેને ખેદજનક થાય છે. ઘણું જાણતા હોઈએ કે સત્પષનો માર્ગ સવિવેક, વિનય, પ્રવર્તના એ સનાતન જૈન ઉપદેશો છે; તે માર્ગ આ કાળમાં સદ્દગુરુને ઘણો શિથિલ, પ્રમાદી, સ્વચ્છંદી વર્તનાએ વર્તતો દેખાવ દે