________________
(૨૬૪)
સત્પુરૂષ પાસેથી આત્માની ઓળખાણ કરી લેવી
તા. ૧૩-૩-૩૪
સાચે મન સેવા કરે, યાચે નહિ લગાર; રાચે નહિ સંસારમાં, માચે નિજપદ સાર. “જેના વચનબળે જીવ નિર્વાણ માર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણીવાર થઈ ગયો છે; પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યું પણ હશે, તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદિ, રિદ્ધિ યોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દૃષ્ટિ મલીન હતી; દૃષ્ટિ જો મલીન હોય તો તેવી સત્ મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે જેથી ઓળખાણ પડતું નથી. અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે’’ (પત્ર નં ૨૧૨)
જ્યાં સુધી આ પત્રના મથાળે પત્રરૂપ ટાંકેલા ઉતારામાં જણાવ્યા પ્રમાણે બાહ્યદૃષ્ટિ હોય છે ત્યાં સુધી અમૃતસમાન ઉપદેશ પણ નિરર્થક થાય છે. જાણે આ તો કોઈને કહે છે, મને તો હજુ કહેવાનું બાકી છે, એમ ભ્રાંતિને લઈને આ જીવ માને છે, પણ જીવ જો સચેત રહે તો સત્પુરુષોની વાણી ગમે તેના પ્રત્યે કહેવાયેલી હોય તો પણ સર્વ સંસારી જીવોને તે સરખી ઉપયોગી થઈ પડે છે.
આપને અહિં રહેવાનું થયું ત્યાં સુધી પત્ર નં ૩૨૨ વંચાતો હતો. ‘‘લૌકિક દૃષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિક દષ્ટિએ કોણ પ્રવર્તશે ?’’ એ ઉપર વારંવાર એટલો બોધ થતો કે આપને યાદ હોય તો જીવને લૌકિક ભાવ તો તત્કાળ દૂર થઈ જાય. આપના જેવા વિચક્ષણ પુરુષને મહાત્મા પાસેથી સાંસારિક ક્ષણિક, દુ:ખના મૂળરૂપ એવી લક્ષ્મીના લક્ષથી માગણી કરવી ઘટતી નથી.
મનુષ્યભવ, ઉત્તમકુળ, વીતરાગધર્મ અને પુરુષાર્થ સવળો કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકાય તેવી જોગવાઈ અનેક ભવમાં મળવી દુર્લભ હાલ મળી છે. તેને આ સ્વપ્ન જેવા સંસારને સાચો માની, તેની જ વાસના માટે આયુષ્ય ગાળીને તે જોગવાઈ વહી જવા દેવાની ભૂલ, આપના જેવાને ઘટે નહીં. હવે તો ચેતી જવાનો અવસર આવ્યો છે. અનેક જીવો આપણી નજરે મરણને શરણ થતાં