________________
(૧૪૪) ‘‘જય વીયરાય’” સૂત્ર.
૧. હે વીતરાગ પ્રભુ ! હે જગતગુરુ ! તમે જયવંત વર્તો. હે ભગવાન ! તમારા પ્રભાવથી મને સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રગટો, મોક્ષમાર્ગે ચાલવાની શક્તિ પ્રાપ્ત થાઓ અને વાંછિત ફળ-શુદ્ધ આત્મધર્મની સિદ્ધિ થાઓ.
૨. હે પ્રભુ ! આપના પ્રભાવથી મને એવું સામર્થ્ય પ્રાપ્ત થાઓ કે જેથી મારું મન સર્વ જનનિંદિત એવું કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરાય નહિ, ગુરુજનો પ્રત્યે આદરભાવ અનુભવે અને અન્યનું હિત કરવા માટે ઉજમાળ બને. વળી હે પ્રભુ ! મને સદ્ગુરુનો યોગ સાંપડજો તથા તેમના વચનો પ્રમાણે ચાલવાની શક્તિ પ્રાપ્ત થો. આ બધું જ્યાં સુધી મારે સંસારનો ફેરો કરવો પડે ત્યાં સુધી અખંડ રીતે પ્રાપ્ત થજો.
૩. હે વીતરાગ ! તમારા શાસનમાં જો કે નિયાણું બાંધવાની એટલે તપ-જપના ફળની વાસના રાખવાની મનાઈ ફરમાવી છે તેમ છતાં હું તો એવી અભિલાષા કરું છું કે દરેક ભવમાં તમારા ચરણોની સેવા કરવાનો જોગ મને પ્રાપ્ત થો.
૪. હે નાથ ! આપને પ્રણામ કરવાથી દુ:ખનો નાશ થાય, કર્મનો ક્ષય થાય, સમકિતની સ્પર્શના થાય અને સમાધિમરણ થાય તથા અંત સમયની આરાધના બરાબર થાય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થો.
૫. જિનેશ્વરનું શાસન જયવંત વર્તે છે એટલે શાશ્વતું છે કેમકે તે લૌકિક અને લોકોત્તર સર્વ મંગલોનું પણ મંગલરૂપ છે, સ્વર્ગ મોક્ષાદિક સર્વ કલ્યાણોનું મૂળ કારણ છે અને સર્વ ધર્મોને મધ્યે ઉત્કૃષ્ટ છે.
“અરિહંત ચેઈયાણં વા ચૈત્યસ્તવ”
અરિહંતની પ્રતિમાને વંદના કરવા માટે હું કાયોત્સર્ગ કરું છું (અદ્ભુતચૈત્યોનું આરાધન કરવા હું કાયોત્સર્ગ કરવાને ઈચ્છું છું).