________________
(૧૪૦)
જગચિન્તામણિ ચૈત્યવંદન
૧. જગતમાં ચિન્તામણિરત્ન સમાન, જગતના નાથ, જગતના રક્ષક, જગતના નિષ્કારણ બંધુ, જગતના ઉત્તમ સાર્થવાહ, જગતના તમામ પદાર્થોને જાણવામાં વિચક્ષણ, અષ્ટાપદ પર્વત પર સ્થપાયેલી પ્રતિમાવાલા, આઠે કર્મોનો નાશ કરનારા, તથા અબાધિત ઉપદેશ દેનારા, હે ઋષભાદિ ચોવીસે તીર્થંકરો ! આપ જયવંત વર્તો.
૨. કર્મભૂમિઓમાં ઉત્કૃષ્ટકાળે વાઋષભનારાચ સંઘયણવાલા જિનોની સંખ્યા વધારેમાં વધારે ૧૭૦ ની હોય છે. સામાન્ય કેવલીઓની સંખ્યા વધારેમાં–વધારે નવ કરોડની હોય છે અને સાધુઓની સંખ્યા વધારેમાં વધારે નેવું અબજ હોય છે.
વર્તમાનકાળમાં તીર્થંકરો ૨૦ છે, કેવલજ્ઞાની મુનિઓ બે કરોડ છે અને શ્રમણો વીસ અબજ છે કે જેમનું નિત્ય પ્રાતઃકાળમાં સ્મરણ કરાય છે.
૩. શત્રુંજય પર્વત પર રહેલાં, હે શ્રી ઋષભદેવપ્રભુ! તમે જય પામો. શ્રી ગિરનાર પર્વત પર રહેલા હે શ્રી નેમિનાથ પ્રભુ ! તમે જય પામો. સત્યપુરી નગરી એટલે સાચોર નગરના આભૂષણરૂપ હે શ્રી મહાવીરસ્વામી ! તમે જય પામો. ભરૂચમાં રહેલા હે શ્રી મુનિસુવ્રતસ્વામી ! તમે જય પામો. મથુરામાં વિરાજતા, હે શ્રી પાર્શ્વનાથ ! તમે જય પામો (મહુરી=મથુરામાં વિરાજતાં)
આ પાંચે જીનેશ્વરો દુ:ખ અને પાપનો નાશ કરનાર છે, તથા પાંચે મહાવિદેહને વિષે રહેલા જે તીર્થંકરો છે તથા ચાર દિશાઓ અને ચાર વિદિશાઓમાં જે કોઈ તીર્થંકરો ભુતકાલમાં થઈ ગયા હોય, વર્તમાનકાળમાં વિચરતા હોય અને ભવિષ્યમાં હવે પછી થનારા હોય તે સર્વને પણ હું વંદું છું.
ત્રણ લોકમાં રહેલા આઠ કરોડ સત્તાવન લાખ બસોને બ્યાસી શાશ્વત ચૈત્યોને હું વંદન કરું છું. (૮,૫૭,૦૦,૨૮૨)
ત્રણ લોકમાં રહેલા પંદર અબજ, બેતાલીસ કરોડ અઠાવન લાખ છત્રીસ હજાર ને એંસી શાશ્વત બિંબોને હું પ્રણામ કરું છું. (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦)
1