________________
સામાયિક ભાવ - ૨૭
એનું કારણ આજે બરાબર સમજી લો.
આપણે બાથરૂમમાં સ્નાન કરવા જઈએ અને લક્સ કે મોતી કે પીઅર્સ, સારામાં સારા સાબુથી નહાઈએ, જાડા સુંવાળા ટુવાલથી ઘસીને શરીર સાફ કરીએ અને પછી બહાર નીકળીને જ્યાં ધૂળ પડી હોય એમાં જઈને આળોટીએ.
પછી પાછા સ્નાન કરવા જઈએ, મેલને દૂર કરીએ, શરીરને સાફ કરીએ અને પાછા ધૂળમાં આવીને આળોટીએ.
આવી રીતે કોઈ માણસ વારંવાર કર્યા કરતો હોય તો આપણે એને ડાહ્યો માણસ કહીએ કે મૂર્ખ માણસ કહીએ? સ્નાન કરીને ધૂળમાં આળોટે, પાછો સ્નાન કરે, પાછો મલિન થાય, પાછો ચોખ્ખો થાય. એવા માણસને આપણે ‘બહુ ધાર્મિક છે' એમ કહીએ? એને ધાર્મિક કહેવાય?
સભામાંથી : “ના”. ---
તો પછી આપણે બધા રોજ શું કરીએ છીએ? આપણે દિવસમાં ૨ કલાક ધર્મક્રિયા કરીએ અને બાકીના ૨૨ કલાક અશુભ ભાવોથી મલિન થતા હોઈએ.... અથવા તમે બધા કદાચ વધુ ધર્મક્રિયા કરતા હશો. સવારે ૮ થી ૧૨માં તમે સ્નાન કર્યું. દેરાસર ગયા. પૂજા કરી. સામાયિક કર્યું. બધું કર્યું. પૂરા ૪ કલાક સુધી પાપકર્મો ધોવાની ક્રિયા કરીને ચોખ્ખા થયા.
બાકીના ૨૦ કલાક શેમાં જાય છે? ધર્મમય જીવન જાય છે કે પાછી આપણી મલિનતા વધે છે? આપણે ૪ કલાક સ્નાન કર્યું, ચોખ્ખા થયા, પછી ૨૦ કલાક પાછા ધૂળમાં આળોટ્યા અને મલિન થયા. ૪ કલાક સુધી આપણે મલિન કર્મોને ધોયાં, સાફ કર્યા, કર્મની નિર્જરા કરી