________________
૧૪ સામાયિક ભાવ
જે-જે કરવામાં બાકી કોણ રહ્યું? પાછો કે કેવું, ખબર છે? – ‘આપણે તો ભાઈ બધા સરખા!”
આ સાચા નમસ્કાર નથી. આ તો દ્રવ્યનમસ્કાર છે. ભાવનમસ્કાર ક્યાં છે?
આપણને બધા પ્રત્યે એક સરખો જ ભાવ હોય? તીર્થકર, દેવી, દેવતા, યક્ષ, યક્ષિણી – આ બધાં જ સરખાં હોય? હોઈ શકે?
નમસ્કાર મહામંત્ર આપણને અનાયાસે મળેલો છે. આપણે એના ભાવને સમજ્યા નથી એટલે એ ભાવનમસ્કાર થતો નથી અને એટલે એ આપણને ફળતો નથી. એમાં લેખિત બાહેંધરી (written guarantee) આપેલી છે :
‘એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો'
એનો અર્થ એ કે આ પાંચેય પરમેષ્ઠિને કરેલો નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે. એ પાપોના નાશમાં કોઈ અપવાદ (exception) નથી કે અમુક પ્રકારનાં પાપનો નાશ થશે અને અમુક પ્રકારનાં પાપનો નાશ નહીં થાય – એવું એમાં કહ્યું નથી. એ અનાદિ સિદ્ધમંત્ર છે, પણ આપણને કંઈ સમજણ જ નથી.
એક બાજુ આંગળી પર નવકારવાળી ફર્યા કરે છે, બીજી બાજુ મહારાજ સાહેબનું વ્યાખ્યાન પણ ચાલે છે, કોઈક બાજુ બહેનોની વાતો ચાલે છે, કોઈ ઊભું થાય છે, કોઈ આવે છે, કોઈ જાય છે – આપણું ચિત્ત ચારે બાજુ ફર્યા કરે છે, પણ નવકારના જાપમાં સ્થિર રહેતું નથી.
એટલે કબીરજીએ કહ્યું – માલા તો કરમેં ફિરે, જીભ ફિરે મુખ માંહિ, મનવા તો ચિહું દિશિ ફિરે, યહ તો સુમિરન નાહિં.