________________ 12 % સામાયિક ભાવ 3. બધી જ ચેતનાઓ ગુણધર્મોથી સરખી છે, સમાન છે. આ મુમુક્ષુની સાધના છે. આ મુક્તિ (મોક્ષ)નો માર્ગ છે. જૈન દર્શનના ‘પ્રમાણ” વિભાગમાં જુદા જુદા નયો સમજાવ્યા છે. તેમાંના બે મુખ્ય છે : દ્રવ્ય અને ભાવ. એ બન્નેને ટૂંકમાં સમજી લઈએ. જે ક્રિયા કરવા માટે તમને સાધન, સામગ્રી, ઉપકરણ જોઈએ એને દ્રવ્યક્રિયા કહેવાય અને જ્યાં તમને કોઈ પણ સાધન, સામગ્રી, ઉપકરણ ન જોઈએ અને માત્ર મનનો ભાવ જોઈએ એને ભાવક્રિયા કહેવાય. દા.ત. દ્રવ્યપૂજા અને ભાવપૂજા. દ્રવ્યપૂજામાં તમને જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવૈદ્ય અને ફળ એ બધું જ જોઈએ. અષ્ટપ્રકારી (8) પૂજા કરો એમાં આ બધાં દ્રવ્ય જોઈએ. વેદાન્ત ધર્મમાં કેટલાક પંચોપચારી (5) પૂજા કરે. ક્યાંક ષોડશોપચારી (16) પૂજા પણ કહી છે. દેવ-દેવીઓની પૂજા પણ જુદા જુદા પ્રકારની હોય. ઘંટાકર્ણ મહાવીરની જુદા પ્રકારની હોય. ગણપતિની પૂજા જુદા પ્રકારની હોય. શંકરની પૂજા જુદા પ્રકારની હોય. આમ દ્રવ્યપૂજામાં ફરક હોઈ શકે. ભાવપૂજા એ પૂજનનો, અર્ચનનો, અહંતાનો, સમર્પણનો ભાવ છે. આ ભાવપૂજા તમે મન દ્વારા ગમે ત્યાં, ગમે ત્યારે કરી શકો છો. એમાં કોઈ સાધન કે ઉપકરણની જરૂર પડતી નથી. દ્રવ્યસામાયિક તમે અત્યારે અહીં ન કરી શકો કારણ કે હમણાં તમારી પાસે કટાસણું, મુહપત્તિ, ચરવળો, સ્થાપનાજી આ બધું નથી. પણ ભાવસામાયિક તો તમે અત્યારે અહીં બેસીને પણ કરી શકો. દ્રવ્ય કરતાં ભાવની મહત્તા વધારે છે કારણ કે દ્રવ્યપૂજા એ બાહ્ય ક્રિયા છે અને ભાવપૂજા એ અત્યંતર ક્રિયા છે.