________________
આત્મ સેતુ
85
સૌ સાથ સહકાર માટે સતત પ્રયત્નશીલ રહે છે. છતાં ક્યારે, કેવી રીતે મેળામાંથી છૂટુ પડી જવાય છે ખબર નથી પડતી. આપણે જન્મ લઈએ ત્યારે એકલા આવીએ છીએ. જન્મ પહેલાના કોઈ મેળામાંથી, મૃત્યુ ઊપાડી લઈને અજાણ્યા સ્થળે રવાના કરે છે. અજાણ્યા લોકો જાણીતા થાય છે. માતા-પિતા પરિવારનો મેળો નવેસરથી ભરાય છે. બાળક જ્યારે પા પા પગલી માંડે છે ત્યારે તેણે જાતે જ ટટ્ટાર રહી ડગ ભરવા, પગ ઉપાડવા પડે છે. હર્યોભર્યો પરિવાર હોય તો પણ ભણવા, નોકરી-ધંધા અર્થે કે બીજા કારણોસર એકલા ચાલી નીકળવાનું થાય
મળવું અને છૂટા પડવું થયા જ કરે છે... થયા જ કરે છે... થયા જ કરે છે.. લોકોની વચ્ચે હોવા છતાં એકલતાનો અનુભવ આપણને સૌને છે. બીજાનો સાથ છૂટે છે પણ એકલતાનો સાથ નથી છૂટતો. અન્યનો સાથ તો મળ્યો તેટલો મળ્યો પણ એકલતાનો સાથ તો મળેલો જ છે. અન્યનો સાથ થોડો સમય સારો લાગે પછી એકલતાની લાગણી હાજર થઈ જ જાય. એકલતા આપણી કાયમની સ્થિતિ છે. એકલા પડતાં બીક લાગે. ગમે નહીં. વિચારો ઊભરાય. અસલામતી સળવળે. મૂંઝવણ થવાં લાગે. આપણે આપણી સામે આવી ઉભા રહી જઈએ. મનની સૃષ્ટિ સતાવવા લાગે. મુશ્કેલી હોય તેનાથી વધુ મોટી દેખાય. આપણી હંમેશની સાથી એકલતાની સાથે રહેતા થઈએ. આપણા પોતાના મિત્ર બનીએ. પોતાને સ્નેહથી સમજીએ. સુખ ઘરમાં જવા માટે આપણે ક્યાંક રસ્તો ભૂલ્યા લાગીએ છીએ. પ્રયત્ન સુખના ઘરમાં જવા માટે અને પરિણામ ઉલટા! કેમ? આ એકલતા કેમ વારંવાર આવી મળે છે? માનવીઓના મેળામાં અનેકના પરિચયમાં “બહ અંતમાં સુખની શોધ કરીએ છીએ. તેનું પરિણામ શું આવે છે?
સુખની શોધમાં ચોક્કસ ક્યાંક ભૂલ પડી લાગે છે! વ્યક્તિની એકલતાના એકાંતમાંથી સુખાલયનો રસ્તો પસાર થાય છે શું?
સત્સંગી : આ વાતો સારી લાગે છે પણ એકલતામાં રહેવું અઘરૂ લાગે છે. એકલા પડતાં બીક લાગે છે. હિંમત નથી ચાલતી.
બહેનશ્રી : તરતા ન આવડતું હોય તો દરિયાના ઊંડા પાણીમાં સીધુ ઝંપલાવવાનું ન હોય, પણ તરતા શીખવું હોય તો જ્યાં ઊભા હોઈએ ત્યાંથી જળ તરફ પગલું માંડવાનું હોય. માનવીઓના મેળામાંથી નીકળી વનમાં જઈ ગુફામાં વસવાની વાત નથી. ભવસાગર તરવો છે તો અંતરદૃષ્ટિ કરી મનના એકાંત સાથે રહેવાનો સહેજ-સાજ પ્રયત્ન તો કરી શકાય ને? અઘરૂં છે. અશક્ય નથી. એકાંતમાં રહેવાનો નાનો શો પ્રયત્ન વ્યક્તિને તેની અસીમ શક્તિઓ તરફ દોરી જવાની શક્તિ ધરાવે છે.