________________
આત્મ સેતુ
81
દુઃખનું કારણ ઘવાયેલો અહંકાર હોય! ક્યારેક કંઈ મેળવીને આપણો અહં પોષાય છે. તો, ક્યારેક કંઈક જતું કરીને આપણો અહં પોષાય છે. આપે સદ્ભાવનાપૂર્વક પરિવારને ઊંચો લાવવા ભોગ આપ્યો. તમારાં મોજ-શોખ, માન-સન્માન, ઊંઘ-ભૂખની પરવા ન કરી. પ્રેમપૂર્વક સૌના ભલાની ફીકર કરી. તમને આશા હતી કે આની જરૂર કદર થશે... આશા હતી કે “મારે માટે પણ “સારૂં” પરિણામ આવશે...” આશા બુઝાવા લાગી. ધીરજ ખૂટવા લાગી. નિરાશાથી ઘેરાઈ જવાયું. જીવનનો લાંબો સમય, અગત્યનો સમય નકામો ગયાની લાગણી તમારામાં ફેલાવા લાગી. જતું કરીને પોષાતા “હું પણાને આખુ જીવન એળે ગયાનો ઊંડો આઘાત લાગ્યો. તમારાં “હું પણા”ને અહંકારને ટકવાનો આધાર ન દેખાતાં, આશા ન રહેતાં દુ:ખ વધતું ચાલ્યું.! ઊંમર થઈ છે. આખી જિંદગી જે કર્યું તે એળે ગયું તેમ લાગે છે. ભવિષ્ય ભય પમાડે છે. પરિવાર વિખરાવા લાગ્યો છે. શરીર ડગુમગુ થાય છે. અંતર બળે છે. જાણે કે ભવરોગ લાગુ પડ્યો...!
તા. ૧૪ મે ૨૦૦૪
સત્સંગી : મારે આ પીડામાંથી આ રોગમાંથી બહાર નીકળવું છે.
બહેનશ્રી : જેમ સંજોગો આવી મળવા નસીબ આધીન છે, તેમ સદ્ભાવનાભરી વ્યક્તિની અવગણના પણ નસીબ આધીન સમજવી રહી. કર્મનું ચક્ર કેટલાય સમયથી ચાલતું આવે છે. તેની ગતિ સમજી નથી શકાતી. લાંબા પ્રયત્ન પછી પણ, મળી આવેલા આ સંજોગોનો સ્વીકાર કરીએ...! આ પીડામાંથી બહાર નીકળવા પ્રથમ પગલુ ઉપાડવા મન મજબૂત કરી પ્રયત્ન કરીએ. આજે જે પણ સંજોગો છે. અવિરત મહેનત પછી, અન્ય પ્રત્યે સમર્પણ છતાં જે સંજોગો આજે દુભવે છે તેનો સ્વીકાર કરીએ.
આ, અત્યારે, આમ છે!
બસ!
જે, છે, તેનો સ્વીકાર!
વર્તમાનમાં જે છે તેનો સ્વીકાર! સ્વીકારનો વિચાર આવતાં એક આછી હળવાશ ઊતરવા લાગશે.