________________
70
આત્મ સેતુ
આપણા અંતરમાં એવું કંઈક તત્વ છે જે આ ખેલ જુએ છે, જાણે છે અનુભવે છે. જે આ ખેલનો આધાર છે, પણ તે તત્વ આ ખેલને આધારે નથી! બે વ્યક્તિમાં એક પોતાની કામના-અહંકાર ગૌણ કરી વર્તવાનો પ્રયત્ન કરતી હોય. તો બીજી વ્યક્તિ તેની ભાવનાની કદર કરી સ્નેહથી વર્તવાને બદલે, પોતાની ઇચ્છા-અહંકારના પગ પસારી ગેરલાભ લઈ રહી હોય ત્યારે પહેલી વ્યક્તિની સહનશીલતા વેરવિખેર થઈ જાય. મૃદુ અને સ્નેહાળ થવા કરતાં કઠોર અને સ્વાર્થી થવાનું મન થઈ આવે. પણ પાછું એમ વર્તવાને મન ન માને. અને તેનો આંતરિક સંઘર્ષ ઘણો વધી જાય. સામાન્ય રીતે આપણું મન ભૌતિક જગતની સમૃદ્ધિ અને સંબંધો સાથે જોડાયેલું છે. તેનો સંબંધ આંતરિક જગત સાથે જોડવાનો પ્રયત્ન કરતાં મનને કષ્ટ પડે છે. સમૃદ્ધિ સત્તા અને સંબંધ ઓછા થતાં લાગે અને કષ્ટ સિવાય ખાસ કંઈ મળતું ન દેખાય. નિરાશા વ્યાપી જાય. સહન કરવું મૂર્ખામી લાગે. પણ, આ સંઘર્ષ આંતરિક જગતના પ્રેમમય અખૂટ આત્મખજાનાની રહસ્યની ભાળ મેળવી આપે છે. અહં વેરવિખેર થશે ત્યારે તો રસ્તાની કંઈક ભાળ મળશે. ક્રોધ, ઝગડા, ઇર્ષા અને ખોટા સ્મિતથી જે સંબંધ ટકી રહ્યાં હોય તે કેટલા લાંબા ચાલશે? વારંવાર કરાતાં ક્રોધ વગેરે ભાવો અંતરમાં ઊંડા ઉતરતાં જાય. આવી વૃત્તિઓના વર્તુળો રચાય. મન તેમાં ફસાતું રહે. સંતોષ, શાંતિ પ્રસન્નતા માટે અવકાશ ક્યાં રહે? મનના બંદ્ધના જગતમાં, માત્ર સહન કરવું અથવા માત્ર ઊગ થવું, એમ એક વાત પકડીને વિચારતાં અને વર્તતાં, સતત બીજી વાતનો સામનો કર્યા કરવો પડે છે. વ્યક્તિ બન્ને બાજુ ખેંચાઈને ટેન્શનમાં રહે છે. બીજી વ્યક્તિ સાથે સંઘર્ષ કરવાથી મળે છે થોડી વધુ સગવડ થોડું પરાણે મેળવેલું માન-સ્થાન. અહંને પોષણ અને એવું બીજુ કંઈ. તે માટે ઝગડા, ઇર્ષા, અસહકાર નિંદા વગેરે કરવાનું થાય છે. એક વ્યક્તિની વૃત્તિ આ રીતે વર્તે છે, તો બીજાની વૃત્તિમાં તેના પડઘા પડે છે. વળી પહેલી વ્યક્તિ તરફથી ઉગ્ર પ્રત્યાઘાત આવે તેનો સામનો કરવા બીજાને આવું જ કંઈક કરવાનું થાય છે. પરસ્પર અને સૌના મનમાં આ લડાઈ ચાલતી રહે છે. લડાઈ વ્યક્તિનું ચેન હરી લે છે. ઊંઘ હરામ કરે છે. આવી વાતોના વિચારના વંટોળ ઊઠે છે. આ વૃત્તિઓની છાપ અંતરમનમાં ઊંડી જતી જાય છે. ક્યારેક સામેવાળા પર જીત મળી એમ લાગે છે પણ પોતે પોતાનાથી હાર્યાનો ખ્યાલ નથી હોતો. જીતની ખુશી હજુ આવે, ના આવે અને ટકે ત્યાં તો પાછો સંગ્રામ ચાલુ. સંગ્રામનો અંત હજુ સુધી આવ્યો નથી અને આવતો નથી. સંઘર્ષ કરવાનો જ છે તો પોતાની સાથે જ ન કરવો? તો આ સંઘર્ષના અંતની શરૂઆત તો થાય! મનની આવી વૃત્તિઓ સામે જ “સંગ્રામ” છેડીએ. આંતરિક સંઘર્ષ પ્રેમપૂર્વક વહોરી લઈએ.