________________
આત્મ સેતુ
અમારા પૂર્વેના મહાપુણ્યના પ્રતાપે અમને પરમ પૂજ્ય બહેનશ્રીનો પ્રત્યક્ષ પરિચય થયો. અમારા પર અસીમ કરુણા કરી અને અમારી વાંચન, સ્વાધ્યાયની મહેનત નિષ્ફળ ન જાય તે માટે કાંઈ પણ અપેક્ષા વગર ધર્મ આડે આવતા સૌને મૂંઝવતા પ્રશ્નોનું એટલું સરળતાથી, સુંદરતાથી, સહજતાથી નિરાકરણ કરાવ્યું. સૌ આત્માઓને સુખ, શાંતિ અને આનંદ મળે, એ જ એમના જીવનનો સાર છે. તેઓશ્રીએ અમોને નિશ્ચયવ્યવહારની સુંદર સંધિ કરાવી અને જણાવ્યું કે “ધર્મ એ તો જીવન જીવવાની પદ્ધતિ છે. જીવન અને ધર્મ જુદા હોઈ જ ન શકે”. તેઓશ્રીએ બહુજ સુંદર વાત કરી કે સંસારમાં રહેતા, પ્રેમથી ફરજો બજાવતા બજાવતા પણ ધર્મ માર્ગે જવાના શ્રેષ્ઠ પ્રયત્નો કરી શકાય છે.
ધર્મ એટલે અમને શાસ્ત્ર વાંચન, શ્રવણ, ચર્ચા-વાર્તા એ જ ધર્મ લાગતો હતો. આચરણમાં મુકવાનું અઘરુ અને લગભગ અશક્ય લાગતુ હતુ અને મનમાં એક સંઘર્ષ ચાલુ રહેતો અને એમાં જ અટકી જવાયું હતું. હવે અમને જીવન અને ધર્મ વચ્ચે એક બ્રીજ મળી ગયો છે. આ બ્રીજ પર ચાલીને રોજના કાર્યો સાથે જીવાતા જીવનમાં વર્તમાન પળ સુધી ધર્મને પહોંચાડવાનું શક્ય છે તે સમજાયુ છે.
આ પુસ્તકમાં ખૂબ સરળતાભરી વાતો છે. અમો સૌને આ સરળતાભરી વાતો ખૂબ જ મૂલ્યવાન, અસરકારક અને મહત્વપૂર્ણ લાગી છે, અને જેને ધર્મ માર્ગે જવું છે, તેઓને ઉપયોગી થઈ શકે એ ભાવનાથી આ પુસ્તક પ્રકાશિત કરવાનું નક્કી કર્યું છે.
આપના મંતવ્યો તથા સુચનો આવકાર્ય છે.
જૈન સત્સંગ સાધના કેન્દ્ર વતી, અજીત રવાણીના વંદન
૧૮ એપ્રિલ-૦૬
7500, Fireoak Drive Austin, Tx. U.S.A. 78759