________________
37
આત્મ સેતુ તો એમ કહી શકાય કે હિમાલય વિશે વાત કરવી એ દંભ છે? હા, જો આપ એમ કહો કે “હું એવરેસ્ટ ચડી આવ્યો” તો દંભ છે. તળેટીમાં ઉભા રહી શિખરના સપના જોવાયા હોય, ત્યાં જવાની તૈયારી અને સાહસ ન હોય. આપે “આત્મા” વિશે જાણ્યું. આપનું “સ્વરૂપ” તેવું હશે તેમ માન્યું. તે મુજબના ગુણો પ્રગટાવવાની તૈયારી અને સાહસ ન હોય તેમ બની શકે. “આત્માની” માત્ર વાતો સુધી અટકી જવાયું હોય. કોઈ અલૌકિક વ્યક્તિને, સિદ્ધ પુરૂષને પોતાના સ્વરૂપનો, પોતાના અસ્તિત્વની ઉચ્ચતમ સ્થિતિનો અનુભવ થયો હોય. અન્ય જીવોમાં આ અનુભવની, શુદ્ધ-શાશ્વત-આનંદમય થવાની પૂરેપૂરી શક્યતા દેખાતી હોય. જે ઇચ્છે, તે ભવના ભ્રમણમાંથી છૂટી શકે તેવી ઉત્કૃષ્ટ, કરૂણાભરી ભાવનાથી શાસ્ત્રની રચના કરી હોય. શાસ્ત્રમાં ચેતનાના શુદ્ધ-શાશ્વત સ્વરૂપના વર્ણન છે. તેમાં મારો કે તમારો અનુભવ કે શુદ્ધ અસ્તિત્વ નથી. આપણને શાસ્ત્ર દ્વારા સમાચાર મળ્યા કે આપણે પણ “આવા” છીએ. આપણામાં શુદ્ધ, આનંદમય સ્વરૂપ પ્રગટી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એ સમાચાર જાણ્યાથી એવો ભ્રમ, અજાણતા બંધાયો હોય કે “મને સ્વરૂપની સમજ" છે, અને આદતો અને ટેવો એ સઘળું જાણ્યા પહેલા હતી તે જ રહે. અંદરમાંથી એ જ વર્તના વહી આવે જે જાણ્યા પહેલા હતી. ઇચ્છા બહિર્લક્ષી જ આવે. એમ થાય કે “ધર્મ” કરીશ તો રોટી કપડા મકાનનું શું? કુટુંબ પરિવાર મોજશોખનું શું? આત્માની ઉચ્ચતમ આનંદમય સ્થિતિનું વર્ણન જાણી ત્યાં જવાની ઇચ્છા થાય પણ તે રસ્તે જતાં અસલામતી અને બીક લાગે. મનની માન્યતાઓ અને સલામતીની બીક આગળ આવે, તે કહે કે “તું ધર્મ કરીશ તો તારી દિનચર્યાનું શું?” મન સતત કંઈ કરવા અધીરૂ છે. અકર્તા થવાની વાત કંઈ બંધ બેસતી લાગતી નથી. શરીરથી તો સઘળા કામકાજ થાય છે. અરૂપી હોવાની વાતનો સુમેળ કેમ કરવો? ઇચ્છાઓની વણઝાર ચાલે છે વિચારો કેડો નથી છોડતાં કામ, ક્રોધ, લોભ, મોહના ભાવો અકબંધ છે એ સઘળા વગર જીવવું શી રીતે એમ થાય છે. તો સ્વરૂપની શુદ્ધિ લાવવી કેવી રીતે? શાસ્ત્રમાંથી સ્વરૂપ વિશે જે સમાચાર મળ્યાં છે અને અત્યારે જે “રૂપ” છે તે એકદમ ઉલટું અનુભવાય છે. સાવ જુદું લાગે છે. આપણી માન્યતાઓ અને કુટુંબ, સમાજ, ધંધા-નોકરી સાથે જે રીતે હાલ જોડાયેલા છીએ તે આદતોને હાલના “સ્વરૂપ”માં સલામતી લાગે છે. એ સલામતી એમ જ ટકાવી રાખવાના પ્રયત્ન ચાલું રહે છે. માનસિક ટેવો તેની સુરક્ષા કાજે એ ટેવો સતત રહે તેવી ટેવનો ઉમેરો કરે છે. તકલીફો, આઘાત અને દુઃખ પ્રત્યેની સજાગતા, તે દૂર રાખવાની, તેનાથી બચવાની વૃત્તિ એ ટેવોને વધુ જોરથી પકડે છે. આદતોની, માન્યતાની, ભ્રમની દિવાલની પાછળ મન છૂપાઈને સલામત રહેવા ચાહે છે. તે દિવાલની પાર જોતા મન ડરે છે, મૂંઝાય છે. શાસ્ત્ર વાચન થકી જે આત્મસ્વરૂપના સમાચાર મળ્યા છે તે સારા લાગે છે, પણ એ રસ્તે જવાનું જોર નથી
આવતું.