________________
33
આત્મ સેતુ બહેનશ્રી : મૃત્યુ થતાં શરીરમાંથી જીવ ચાલ્યો જાય છે. જીવ ક્યાંથી આવ્યો હતો? ક્યાં ચાલ્યો ગયો?
સત્સંગી : ....
બહેનશ્રી : કોઈનું મૃત્યુ જન્મ પહેલા થાય છે, તો કોઈનું જન્મ પછી તરત! કોઈ દીર્ઘ આયુષ્ય પામી મૃત્યુ પામે છે. કેમ? કોઈનું શરીર સુંદર અને સુડોળ હોય છે. કોઈનું શરીર કદરૂપુ અને બેડોળ! કોઈનું શરીર અશક્ત અને નબળું હોય છે તો કોઈનું શરીર સશક્ત અને મજબૂત! શાથી? વળી ક્યારેક સશક્ત શરીરમાં મંદબુદ્ધિ હોય છે, અને અશક્ત શરીરમાં તીવ્રબુદ્ધિ હોય છે શું કારણ? કોઈ શરીરની પાંચ ઇન્દ્રિય સંપૂર્ણ હોય છે તો કોઈની આંખે અંધારા, કાનમાં બહેરાશ, મુખમાં મૌન! મૃત્યુ થતાં કામ, ક્રોધ, લોભ, મોહ, શાંતિ, સમતા, સ્નેહ તથા અન્ય ભાવો કેમ થતા નથી? ક્રોધ કેમ નથી આવતો? મોહ-માયા કેમ નથી થતાં? માન-અપમાન ક્યાં ચાલ્યા ગયા? પ્રેમ, મમતાનું શું થયું? શરીરમાં જીવંતતા કેમ નથી? “મારું શરીર” એમ કહીએ છીએ. તો શરીરમાં “હું” કોણ છે? એ કયુ તત્વ છે જેને “હું” કહીએ છીએ? શું શરીરમાં વસતી જીવંતતા “હું” છે? જેના થકી શરીર જીવે છે. કાર્યરત છે. મન, બુદ્ધિ, ઇન્દ્રિય સચેત છે. શું એ ચેતનતા “હું” થઈ સંચરે છે?
સત્સંગી : ....
બહેનશ્રી : બની શકે, કે આજ સુધી હું તત્વ તરફ ધ્યાન ગયું ન હોય. એ વિષે વિચાર કર્યો ન હોય. મારે શું મેળવવું છે, ધન કમાવું છે, પરિવાર વધારવો છે. સુખ-સગવડ ઉભા કરવા છે. તે સઘળુ મેળવવાના વિચારો અને મહેનતમાં, તેની જ ગડમથલમાં એ “હું” તત્વ રોકાઈ રહ્યું હોય. “હું” પણે જે સંચરે છે તેમાં મુખ્યત્વે ક્રોધ, માન, માયા, લોભ ઇચ્છા વગેરે જ માત્ર છે? હું પણ મારામાં શું સંચરે છે? તેની શક્તિ કેવી છે? તેની શક્તિ કેટલી છે? હું ના ઊંડાણમાં પણ આવા જ ભાવો છે? હું ના અંતરમાં ડોકિયું કર્યું છે કદિ? જાણતા-અજાણતા, ક્રોધ, માન, માયા, લોભ વગેરેને પોષણ મળે, તે ભાવોને સહકાર મળે, તેમ આપણી વૃત્તિ તે તરફ વહે છે.