________________
27
આત્મ સેતુ બહેનશ્રી : આચરણ જાગરણની પાછળ આવે. જાગરણ અંતર્મુખી થવાથી થાય. શાસ્ત્રની વાતો બુદ્ધિના સ્તર સુધી રહે છે. અંતરમાં તેની સમજ નથી. પણ આપની એ ભાવના જરૂર છે કે “આત્માને ઓળખવો છે.” સામાન્ય રીતે, વ્યક્તિને આત્મા સિવાયની વાતોમાં, વ્યક્તિમાં, વાતાવરણ અને સંજોગોમાં, ઇચ્છા, અહંની પૂર્તિ કરવામાં તથા તેવી અન્ય બાબતોમાં રસ હોય છે. ગમતાની પ્રાપ્તિ અને ન ગમતાની અપ્રાપ્તિ માટે તેના જ વિચારો અને આચારમાં રસ હોય છે. તે તરફ વલણ અને લક્ષ હોય છે. “મારૂં ઘર” “મારો પરિવાર” “મારી ઇચ્છાઓ” “મારૂં ગમતું” વગેરે કહે છે કોણ? આ સઘળા વિચાર કરનાર કયુ તત્વ છે? આ સઘળુ “મારાપણું” કોને થાય છે? શાસ્ત્રવાંચન કરતાં કે કામકાજ કરતાં, લોકો વચ્ચે કે એકાંતમાં, દિવસે કે રાત્રે, જ્યારે પણ વિચાર આવે કે “આ સઘળું વિચારનાર” કયુ તત્વ છે?, જ્યારે પણ એ ખ્યાલ આવી શકે કે “આ વિચારો કરનાર” કયુ તત્વ છે? ત્યારે તે “જોવાનો” સમજવાનો પ્રયત્ન કરી શકાય. તે તરફ લક્ષ આપી શકાય. આ સરળ વાતમાં “આત્મા”ને ઓળખવાની શક્યતાઓ છુપાયેલી છે.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
તા. ૧૧ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : કોઈનું કંઈ ભલું કરીએ અને બદલામાં તકલીફ કે ઉપેક્ષા મળે તો શું કરવું? કોઈનું ભલું કરવું કે નહીં?
બહેનશ્રી : ભલુ કરી ભૂલી જવું. કરીને છૂટી જવું. ભલુ કરીને તેનો ભાર માથા પર લઈ શા માટે ફરવું? હળવા રહો. અન્યનું સારું કરવાની, ભલુ કરવાની આપની વૃત્તિ છે. તે આપની ભાવના છે. કોઈ ભલું કરે તો પણ તેને તકલીફ આપવાની, ઉપેક્ષા કરવાની તેની વૃત્તિ છે. તે “તેની” ભાવના છે. ભલુ કરવાની તમારી સદ્ભાવના જ તમારું ભલુ કરશે. તમારી સદ્ભાવના અને તમે જેનુ ભલુ કર્યું છે તેની વચ્ચે સારા સંબંધની કડી બને તો ઠીક છે. ના બને તોય ઠીક
તમારી સદ્ભાવના ઈશ્વર સાથેના અનુસંધાનની કડી જરૂર બની રહેશે.
તા. ૧૧ ઓગષ્ટ ૨૦૦૨