________________
25
આત્મ સેતુ આ તો પોતાનો પરિચય કરવા પોતાની સાથે “હાથ મિલાવવાના” છે. પોતાની સાથે મિત્રતા કરવાની છે. ડર શાને? આપનો સંસાર આપની ઇચ્છાઓનો વિસ્તાર છે. આપના સપનાઓનો આકાર છે. આપ આપને સમજવા પ્રયત્ન કરશો. આપને આપનો પરિચય થવા લાગશે. ધીરે ધીરે ખ્યાલ આવશે કે હું માત્ર ઇચ્છાઓનો વિસ્તાર નથી. મારામાં એ સિવાય પણ કંઈક છે. મારી અંદર, મારી શક્તિઓનો, ગુણોનો અખૂટ ખજાનો ભર્યો છે. પોતાના ચેતન ખજાનામાં અમૂલા ગુણોના, અમૂલ્ય રત્નો, હીરા, મોતી, માણેક ઝગારા મારે છે. દયા, શાંતિ, સમતા, સુખ અંદરમાં છુપાયેલા છે. હું ચેતન પોતે જ પ્રકાશપૂંજ છું. હું જ મારું સુખ અને શાંતિ છું. આ ખ્યાલ જેમ સ્પષ્ટ થતાં જશે તેમ ઇચ્છાઓની વણઝાર ટૂંકી થશે. ધન-સંપત્તિ, વાડી વજીફા, સત્તા-સન્માનમાં વધારો કરવાના ભાવોમાં, ઇચ્છાઓમાં, સપનાઓમાં ફેરફાર થશે. આ સઘળા વિસ્તારનું એવું મહત્વ નહીં રહે. સલામતી માટેના પ્રયત્નો, ધન, પરિવાર, કેટલા અને કેટલો સમય સાથે છે તે ખ્યાલ આવવા લાગશે. મૃત્યુ દેવનું તેડુ આવતાં, ઘડીના છઠ્ઠા ભાગમાં સઘળું છૂટી જશે. સાથે આવશે દયા, કરૂણા, સેવાના ભાવોના સંસ્કાર!
રાગ-દ્વેષ, ઇર્ષા, વેર-ઝેરના ભાવોના સંસ્કાર!
બસ, માત્ર અંતરમાં ઉઠતા ભાવોના સંસ્કાર!
આ સંસારમાંથી એક વ્યક્તિ કે ધનનો એક કણ પણ સાથે નહીં હોય! ગમે તેટલું હશે પણ કંઈ સાથે લઈ જઈ નહીં શકાય. ત્યારે? ત્યારે એમ થશે કે મેં મારા આત્માને ઓળખ્યો હોત તો? અત્યારે એમ થાય છે કે આત્માને ઓળખીશ તો સંસાર છૂટી જશે. એ તો આમ પણ છૂટવાનો જ છે. ચેતનાનો વિચાર-વિસ્તાર અને અનુભવ કરી લેવા જેવો છે!
તા. ૧૧ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : આપણે પૂજામાં બોલીએ છીએ.
ધ્યાન મૂલં ગુરૂસ્મૃતિ, પૂજા મૂલં ગુરૂર્પદ, મંત્ર મૂલં ગુરૂર્વાક્ય, મોક્ષ મૂલં ગુરૂકૃપા. ગુરૂની કૃપા મેળવવા માટે શું કરવું જોઈએ? કારણ કે મોક્ષનું મૂળ એ જ છે.